બોલો લ્યો ! આગથી બચવા શું કરવું તેની તાલીમ આપવા જનારા સ્ટાફને સાંભળવી પડે છે ગાળો !
ફાયર મોકડ્રીલ'ને લઈને લોકોમાં ઘોર ઉદાસીનતા હોવાથી હવે મનપા દ્વારા નોટિસો ફટકારાશે: ૧૦માંથી ૬ લોકો અવનવા બહાના કાઢી ઝુંબેશને બુઠ્ઠી કરતાં હોવાનો ખુલાસો
રાજકોટ મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખા દ્વારા ૩૧-૧-૨૦૨૩થી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા હાઈરાઈઝડ, લો-રાઈઝડ રહેણાક-કોમર્શિયલ બિલ્ડિંગ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં આગ લાગે ત્યારે તેનાથી બચવા માટે શું કરવું તેની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઝુંબેશ લોકો માટે અત્યંત ઉપયોગી હોવા છતાં અમુક તત્ત્વો દ્વારા આડા ફાટીને તાલીમ લેવાની જગ્યાએ મનપાના સ્ટાફને અપશબ્દોથી નવાજવામાં આવતા હોય હવે તંત્રએ આ દિશામાં આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એકંદરે હવેથી ફાયર મોકડ્રીલમાં ભાગ લેવાનો ઈનકાર કરનારા બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આગ લાગવાના કિસ્સામાં બચાવ માટે મોકડ્રીલ અત્યંત મહત્ત્વની છે કેમ કે તેમાં લોકોને અલગ-અલગ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ માટે કોઈ જ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો ન હોવા છતાં લોકો તેનાથી દૂર ભાગી રહ્યા છે એટલા માટે હવે મહાપાલિકા દ્વારા મોકડ્રીલમાં ભાગ ન લેનારા બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવશે જેનું પરિણામ એ આવશે કે ઈનકાર કરનારા બિલ્ડિંગમાં ન કરે નારાયણ ને આગ લાગે ત્યારે જવાબદારી જે તે સોસાયટીના પ્રમુખ તેમજ કમિટીની ફિક્સ કરવામાં આવશે !
આ નિર્ણય લેવો એટલા માટે જરૂરી છે કેમ કે અત્યારે ૧૦માંથી ૬ સોસાયટી મહાપાલિકાને મોકડ્રીલ માટે અવનવા બહાના કાઢીને મંજૂરી આપી રહી નથી અને મોકડ્રીલમાં પૂરતી સંખ્યામાં લોકો ભાગ પણ લઈ રહ્યા નથી સાથે સાથે સ્ટાફે પણ લોકો એકઠા થાય તેની રાહ જોવી પડે છે ! આટલું ઓછું હોય તેમ સ્ટાફનો સમય પણ વેડફાઈ રહ્યો છે.