રાજકોટ જિલ્લામાં એક માસમાં ડેન્ગ્યુના આટલા કેસ આવ્યા
જિલ્લામાં માવઠા બાદ રોગચાળાની સ્થિતિ સામાન્ય: લોધિકા, કોટડા સાંગાણી, જીઆઇડીસી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધુ
રાજકોટ જિલ્લામા છેલ્લા એક માસમાં ડેન્ગ્યુના 48 કેસ નોંધાયા છે. માવઠા બાદ રોગચાળો વકરતો હોય પરંતુ હાલ જિલ્લામાં રોગચાળાની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનીયાના જિલ્લામાં 5 કેસ નોંધાયા છે.
માવઠા બાદ સામાન્ય રીતે બેવડી ઋતુ અનુભવાતી હોય છે અને રોગચાળાનું પ્રમાણ પણ વધતું હોય છે. પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ, ચિકનગુનીયા, મેલેરિયા જેવા કેસમાં વધારો થતો હોય છે તેવામાં રાજકોટ જિલ્લામાં રોગચાળો સામાન્ય હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં નવેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યુના 48 કેસ જ્યારે ચિકનગુનીયાના માત્ર 5 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના સૌથી વધારે કેસ કોટડાસાંગાણી, લોધિકા અને શાપર-વેરાવળ જીઆઇડીસી વિસ્તારમાં નોંધાયા હતા. તેવું જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગમાંથી જાણવા મળ્યું છે.
મહત્વનું છે કે, જીઆઇડીસી વિસ્તારમાં પરપ્રાંતીય લોકોની સંખ્યા વધારે રહેતી હોય છે ત્યારે આવા વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતા હોય છે જેના કારણે મચ્છરોની ઉત્પતિ થતી હોય છે ત્યારે આવા વિસ્તારોમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત પોરાનાશક દવાનો છંટકાવ, ફોગીન્ગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.