સર્વેશ્વર ચોકનું શિવમ કોમ્પલેક્સ રિપેરિંગ માંગે છે, મંજૂરી આપો
વોંકળા પરનો સ્લેબ ધસી પડ્યાની દૂર્ઘટના બાદ કોમ્પલેક્સને લાગ્યા છે તાળાં: બિલ્ડિંગને યથાવત સ્થિતિમાં રાખી જૂના પ્લાન પ્રમાણે રિ-ક્નસ્ટ્રક્શન કરવા દેવા એસો.ની મનપાને રજૂઆત
સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થઈ જતાં એક વૃદ્ધાનું મોત તેમજ ૩૦ લોકો ઘાયલ થયા હતા. આ દૂર્ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા શિવમ કોમ્પલેક્સના વપરાશને બંધ કરી દેવા આદેશ કર્યો છે અને બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ બધાની વચ્ચે શિવમ કોમ્પલેક્સના બિલ્ડિંગ ઑનર્સ એસો. દ્વારા મહાપાલિકાને રજૂઆત કરવામાં આવી છે કે શિવમ કોમ્પલેક્સને રિપેરિંગની તાતી જરૂર હોવાથી તેના સમારકામ માટેની મંજૂરી આપવામાં આવે.
એસોસિએશનના પ્રમુખ મહેશ રાજપૂતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને રજૂઆત કરતાં જણાવ્યું છે કે આ બિલ્ડિંગને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગના ભાગમાં અને બિલ્ડિંગના શિવમ કોમ્પલેક્સ-૧ના ભાગમાં અંદાજે ૧૦% વોંકળાનો ભાગ આવેલ છે તેમજ શિવમ-૨ કોમ્પલેક્સ જે યાજ્ઞિક રોડ તરફ છે તેનો આખો ભાગ વોંકળા ઉપર છે. મહાપાલિકાએ આ બિલ્ડિંગની નજીક જતા વોંકળા ુપર કે જે મહાપાલિકાની માલિકીની જગ્યા છે તે જગ્યાની સ્ટેબિલિટી ચેક કર્યા બાદ તે રોડને ફરીથી નવો બનાવવાનો નિર્ણય લીધો છે ત્યારે કોમ્પલેક્સ એસો.ની પણ લોકહિતમાં આ બિલ્ડિંગને યથાવત સ્થિતિમાં રિ-ક્નસ્ટ્રક્શન જૂના પ્લાન મુજબ કરવા દેવામાં આવે તેવી લાગણી અને માગણી છે. દરમિયાન વોંકળા ઉપર પસાર થતાં રોડની છત બનાવાઈ છે તે સિમેન્ટની છતનો ભાગ શિવમ કોમ્પલેક્સની છત સાથે જોડાયો હોય ત્યારે જ્યારે પણ મહાપાલિકા આ રોડ બનાવશે અને તે રોડને તોડશે ત્યારે આ બિલ્ડિંગને નુકસાન જાય તેવી શક્યતા છે.