ગધેથડ આશ્રમનાં દર્શનથી માનવસેવા માટે મારું મનોબળ મજબૂત બને છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
પૂજ્ય લાલબાપુનું દોઢ લાખ જેટલા ભાવિકોએ કર્યું પૂજન: ગુરૂપૂજન મહોત્સવમાં મુખ્યમંત્રી જોડાયા: 115 ગામ માટે ધુમાડા બંધ મહાપ્રસાદ- જીવદયા અને માનવસેવા યજ્ઞ: મંત્રીઓ, ધારાસભ્યો તેમજ અધિકારીઓની હાજરી
રાજકોટ ઉપલેટાના ગધેથડમાં ગાયત્રી આશ્રમમાં પૂજ્ય લાલબાપુના સાનિધ્યમાં ગુરુદત્ત જયંતિની ઉજવણીમાં લાખો ભાવિકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ગાયત્રી મંદિરમાં દર્શન કરી પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લીધા હતા. ઉપલેટા તાલુકાના 52 ગામ સહિત 115 ગામ માટે ધુમાડાબંધ મહાપ્રસાદના આયોજન સાથે જીવદયા અને માનવસેવાની જ્યોત પ્રજ્વલિત કરાઈ હતી. ગુરુપૂજનમાં દોઢ લાખ જેટલા ભાવિકોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાયત્રી આશ્રમ, ગધેથડ ખાતે યોજાયેલા ગુરૂપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. તેમણે આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ” ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે”. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય લાલબાપુ સમા ગુરૂવર્યના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારે મન ખૂબ મહત્વનું છે. ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે”. આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂ પૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને બિરદાવ્યા હતા.
દેશની જાળવણી માટે સંસ્કારનું મહત્વ વધુ:પૂ.લાલબાપુ
આ તકે આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું કે, ” સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે, સંસ્કારનુ સિંચન આધ્યાત્મિકતાથી થાય છે”. આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગધેથડ આશ્રમ માટે પૂજ્ય લાલબાપુએ ટેક લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી આશ્રમની બહાર પગ નહીં મુકું, વર્ષ 1997-98માં વેણુ તેમના કાંઠે આવેલા ટેકરા પર વડલો વાવીને બાપુએ અહીં આશ્રમ અને મંદિર બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી, જે 12 વર્ષે પૂર્ણ થઈ ત્યાં સુધી બાપુએ આશ્રમની બહાર પગ પણ મૂક્યો ન હતો. ગધેથડ આશ્રમ અને લાલબાપુ પર લાખો ભાવિકો શ્રદ્ધા ધરાવે છે.ગુરૂપૂજનના આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા,ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા, ધારાસભ્યઓ મહેન્દ્રભાઈ પાડલીયા, રિવાબા જાડેજા અને ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ, અગ્રણી રવિભાઈ માકડીયા, અલ્પેશ ઢોલરીયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.