યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્સમાં ‘આનંદ સ્નેક્સ’ સીલ
૭૦,૦૦૦નો ચેક રિટર્ન થતાં મનપાનું આકરું પગલું: હવે કાં તો હરાજી કાં તો કાયદેસરની કાર્યવાહી કરાશે
ચુનારાવાડ રોડ પર ભવાની ટે્રડર્સમાં એક, સોની બજારમાં બાલાજી ચેમ્બર્સની બે, સ્પેક્ટ્રમ એપાર્ટમેન્ટની ત્રણ દુકાન, ગોંડલ રોડ પર ગાંધી ચેમ્બર્સ સહિત ૩૫ મિલકતો સીલ
રાજકોટ મહાપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશને એકદમ
ધારદાર’ બનાવી દેવામાં આવી છે અને દરરોજ મોટી સંખ્યામાં મિલકતો સીલ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સીલિંગ ઝુંબેશમાં અનેક જાણીતી અને હાઈપ્રોફાઈલ' પેઢી પણ ઝપટે ચડવા લાગતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડી લીધું છે. આવી જ એક જાણીતી પેઢી
આનંદ સ્નેક્સ’ છે જે વર્ષોથી યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્સમાં પોતાની દુકાન ધરાવે છે અને ત્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં ભોજનના પાર્સલની સપ્લાય થતી હતી. જો કે આનંદ સ્નેક્સ દ્વારા મહાપાલિકાનો બાકીવેરો ચૂકતે કરવામાં નહીં આવતાં આખરે તેને સીલ મારી દેવામાં આવ્યું છે.
જાણવા મળ્યા પ્રમાણે આનંદ સ્નેક્સનો ૧.૨૦ લાખ રૂપિયાનો વેરો બાકી હોવાથી થોડા સમય પહેલાં ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે માલિક દ્વારા ૫૦,૦૦૦ અને ૭૦,૦૦૦ની રકમના બે ચેક આપવામાં આવ્યા હતા આ બે પૈકી ૫૦,૦૦૦નો ચેક પાસ થઈ ગયો હતો જ્યારે ૭૦,૦૦૦નો ચેક રિટર્ન થતાં ટીમ વસૂલાત માટે પહોંચી હતી પરંતુ ત્યાં કોઈ જ મળી ન આવતાં આખરે તેને સીલ મારી દેવામાં આવતાં આનંદ સ્નેક્સને નજીકથી જાણતા લોકોમાં સોપો પડી ગયો હતો. હવે અત્યારે આનંદ સ્નેક્સના માલિકનો કોઈ અતોપતો ન હોવાથી તંત્રએ સીલ લગાવી દીધું છે ત્યારે હવે આ મિલકતનો આગામી સમયમાં વેરો ભરપાઈ કરવામાં ન આવે તો હરાજી કરી નાખવામાં આવશે અથવા તો ચેક રિટર્ન બદલ કાયદેસરની કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત ભાવનગર રોડ પર શિવનગર સોસાયટીમાં બે નળ કનેક્શન, કૂવાડવા રોડ પર એક નળ કનેક્શન, વિજય પ્લોટમાં વિજય પ્લાઝાના ત્રીજા માળે ઓફિસ નં.૩૦૧થી ૩૦૯, ગોંડલ રોડ પર ગાંધી ચેમ્બર્સ, સ્વામી વેિવેકાનંદ રોડ પર આશા એપાર્ટમેન્ટના ત્રીજા, ચોથા અને પાંચમા માળે એક-એક મિલકત, સ્પેક્ટ્રમ એપાર્ટમેન્ટમાં ત્રણ દુકાન, સોની બજારમાં બાલાજી ચેમ્બર્સમાં બે દુકાન સહિત ૩૫ મિલકતોને સીલ મારી દેવાયું હતું. જ્યારે ૧૧ મિલકતને ટાંચ જપ્તી નોટિસ તો ૪ મિલકતના નળ કનેક્શન કટ કરી નખાયા હતા. બીજી બાજુ મનપાને વેરા પેટે એક જ દિવસમાં ૩૩.૫૨ લાખની આવક થઈ હતી.
વેરો વસૂલવા ગયેલી ટીમને માથાભારે શખ્સોએ કહ્યું, `અમારે’ય પૈસા લેવાના છે’
જાણવા મળેલી વિગતો પ્રમાણે મહાપાલિકાની વેરા વસૂલાત શાખાની ટીમ આનંદ સ્નેક્સ પાસે વેરાની ઉઘરાણી માટે ગઈ ત્યારે અગાઉથી જ ત્યાં ઉભેલા ત્રણેક જેટલા માથાભારે શખ્સોએ મોઢેમોઢ કહી દીધું હતું કે અમારે પણ આનંદ સ્નેક્સ પાસેથી પૈસા લેવાના છે પરંતુ તેના માલિક ક્યાં છે તેની કોઈને ખબર નથી. બીજી બાજુ ચર્ચાતી વિગતો પ્રમાણે આનંદ સ્નેક્સ પેઢી નબળી પડી ગઈ હોવાની વાતે પણ જોર પકડ્યું છે.