RMCના વાહન કામ માટે છે, ફરવા માટે નહીં: મોજ’ કરતાં બાબુ’ને ફટકાર !
ચૂંટણીને કારણે લાગુ આચારસંહિતા મહાપાલિકાના અમુક કર્મીઓ-અધિકારીઓ માટે આરામસંહિતા' બની ગઈ હોય તેમ કામ કરવામાં દાંડાઈ કરાતી હોવા ઉપરાંત મનપાના વાહનોનો વ્યક્તિગત ઉપયોગ થઈ રહ્યાની વાત સામે આવતાં જ મ્યુનિ.કમિશનરે
મોજ’ કરતા બાબુ'ઓને જોરદાર ફટકાર લગાવી હતી. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા બેઠક બોલાવાઈ હતી જેમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનરથી માંડી વોર્ડ ઑફિસર સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી.
બેઠકમાં મ્યુ.કમિશનરે તમામ વોર્ડ ઓફિસરને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તમામે પોતાના વિસ્તારની સાઈટ ઉપર જ ઉપલબ્ધ રહેવું પડશે. અત્યાર સુધી અમુક વોર્ડ ઓફિસરો તેમજ અધિકારીઓ ફિલ્ડમાં રહેવાને બદલે ઓફિસમાં બેસીને પંખા-એસીની હવા ખાઈ રહ્યા હતા અને પાછળથી મહાપાલિકાની ગાડી તેમના પરિવાર માટે વપરાતી હોવાનો મુદ્દો પણ ધ્યાન પર આવતાં મ્યુનિ.કમિશનર દ્વારા
આ વાહન મહાપાલિકાના કામ માટે છે, ફરવા માટે નહીં’ તેવી આકરી ટકોર પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન તમામ અધિકારીઓ તેમજ કર્મીઓ અને ખાસ કરીને વોર્ડ ઑફિસરોને તાત્કાલિક સ્વચ્છતા સર્વેક્ષણ અને પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ફિલ્ડમાં જ રહેવા તેમજ ફિલ્ડમાં રહીને ફૂટપાથ તૂટી જવા, રસ્તા તૂટી જવા, ડે્રનેજ ચોકઅપ થઈ ગયા સહિતની ફરિયાદોનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો.
ફિલ્ડમાં રહેલા દરેક વોર્ડ ઑફિસરે પોતાનું લોકેશન-ફોટો આપવાનો !
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે ફિલ્ડમાં રહેલા દરેક વોર્ડ ઓફિસરે પોતાનું લોકેશન અને ફોટો અપલોડ કરવાનો રહેશે જેના ઉપર આઈ.સી.સેલ નજર રાખશે. આ પછી આખા દિવસની કામગીરીનો રિપોર્ટ સિટી ઈજનેરને સોંપવાનો રહેશે. ત્યારબાદ એ રિપોર્ટ સિટી ઈજનેર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરને સોંપાશે અને ત્યાંથી સીધો રિપોર્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મોકલાશે. ૧૮ વોર્ડ માટે ૧૮ ટીમ બનાવાઈ છે અને ૧ ટીમને ૧૦ રસ્તાની કામગીરી સોંપવામાં આવી છે.