RMCની TP શાખા એટલે ત્રાસ પ્લાનિંગ’ શાખા: છૂટકારો અપાવો !
બિલ્ડિંગ પ્લાન મંજૂરી, કમ્પ્લીશન સહિતની કામગીરી માટે જે સ્ટાફ મુકાયો છે તે નવો હોવાથી લોકોને ધંધે જ લગાડે છે, જૂના જોગીઓને ફરજ સોંપો
શહેર-રૂડા હેઠળ સામેલ વિસ્તારમાં સરેરાશ હાઈટ ૧૧૦ મીટર મળતી હોવા છતાં રોડ લેવલ સર્ટિફિકેટ શા માટે મંગાય છે ? મ્યુ.કમિશનરને ઢંઢોળતું RRDA
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગમાં ધરમૂળથી ફેરફાર કરી નાખવામાં આવ્યા હતા. આમ તો આ સાફસૂફી કામગીરીમાં
ઈમાનદારી’ આવે તેના માટે કરવામાં આવી હતી પરંતુ તેના લીધે બિલ્ડિંગ પ્લાન મંજૂરી સહિતની કામગીરી એક ઝાટકે ખોરંભે ચડી જતાં વારંવાર રજૂઆત કરાયા બાદ ફરી એક વખત તંત્રને ઢંઢોળવામાં આવ્યું છે. એકંદરે મહાપાલિકાની ટીપી શાખા હવે `ત્રાસ પ્લાનિંગ શાખા’ બની ગઈ હોય તેવું સામાન્યજન માનવા લાગ્યા છે !
દરમિયાન રિયલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશન (આરઆરડીએ) દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને આવેદન પાઠવીને જણાવાયું હતું કે ટાઉન પ્લાનિંગ વિભાગમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ ઘણા માસથી સીસીઝેડએમ મેપ જાહેર થયો હોવા છતાં આર.એલ. (રોડ લેવલ) સર્ટિફિકેટ એમ બંને ઓથોરિટીમાં બિનજરૂરી માંગવામાં આવે છે. રાજકોટ શહેર તેમજ રૂડા હેઠળ આવતાં વિસ્તારોમાં સરેરાશ હાઈટ ૧૧૦ મીટર મળે છે આમ છતાં સર્ટિફિકેટ માંગવા બિનજરૂરી લાગી રહ્યા છે.
આ ઉપરાંત ક્નસ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (સી એન્ડ ડી) વેસ્ટની પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. પ્લોટ વેલિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા એક પણ ઓથોરિટી પાસે નથી તેથી આ પ્રક્રિયાને રદ્દ કરી વૈકલ્પિક સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવી જોઈએ. મહાપાલિકા અને રૂડામાં વિવિધ એનઓસી લેવા અગવડતા જેવી કે ફાયર એનઓસી, રેલવે એનઓસી, બિનખેતી હેતુફેર સહિતનો સમાવેશ થતો હોય મહાપાલિકા અને રૂડા દ્વારા જ આ તમામ પ્રક્રિયા કરવામાં આવે તે આવશ્યક છે. ઈમ્પેક્ટ હેઠળ રજૂ થયેલા પ્લાનમાં ફાયર એનઓસીની જરૂર હોય તેમાં ફાયર વિભાગ પહેલાં ઈમ્પેક્ટ હેઠળનો પ્લાન મંજૂર થયેલો માંગતો હોય અને ટીપી શાખા ફાયર એનઓસી માંગતી હોય બન્ને વિભાગમાં સંકલનનો અભાવ જણાઈ રહ્યો છે.
ખાસ વાત એ છે કે નવા બિલ્ડિંગ પ્લાન મંજૂરી, કમ્પ્લીશન તેમજ વિવિધ કામગીરી માટે જે સ્ટાફ છે તે આ વિભાગનો અનુભવ ધરાવતો ન હોવાથી કામગીરી ડખ્ખે ચડી રહી હોય ટાઉન પ્લાનિંગ વિભાગમાં નિવડેલ સ્ટાફની નિમણૂક કરવી જોઈએ તેમ પ્રદીપ ત્રિવેદી, વીરલ ભટ્ટ, જેન્તી ગોધાત, વિશાલ ટાટમિયા સહિતે જણાવ્યું હતું.