રાજકોટવાસીઓ ચેતજો !! વડાપાંઉ-ઘૂઘરા-પાણીપૂરીમાં ફૂડ પોઈઝન કરી દેતી ભેળસેળ
ઠાકર વડાપાંઉમાંથી ૧૦ કિલો, જલારામ વડાપાંઉમાંથી ૯ કિલો દાઝીયું તેલ પકડાયું: શિવાંશી પાણીપૂરીમાં વાસી બટેટા-પાણી વપરાતા’તા
ઈંડાની રેંકડીઓ પર વાસી બ્રેડ પીરસાતી હતી: રાજનગર મેઈન રોડ વિસ્તારમાં ફૂડ શાખાના દરોડા
રાજકોટમાં સવાર-બપોર-સાંજ જો સૌથી વધુ કોઈ વાનગી ખવાતી હોય તો તે વડાપાંઉ-ઘૂઘરા અને પાણીપૂરી છે. વડાપાંઉ-ઘૂઘરા ત્રણેય ટાઈમ અને પાણીપૂરી મોટાભાગે સાંજના સમયે ખવાય છે. એકંદરે ગ્રાહકોની ભારે ભીડનો લાભ ઉઠાવી ભેળસેળીયા ધંધાર્થીઓ દ્વારા વાસી-અખાદ્ય વસ્તુઓ ધાબડી દેવામાં આવતી હોય લોકો સ્વાદનો ચટાકો લેવાના ચક્કરમાં માંદા પડ્યા વગર રહેતા નથી. આવી જ ફૂડ પોઈઝન કરી દે તેવી ભેળસેળનું કારસ્તાન ઠેકઠેકાણેથી પકડાયું છે.
મહાપાલિકાની ફૂડ શાખાએ રાજનગર મેઈન રોડ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૨૪ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાં ઠાકર વડાપાંઉમાંથી ૧૦ કિલો દાઝિયું તેલ, જલારામ વડાપાંઉમાંથી ૯ કિલો દાઝીયું તેલ, શિવાંશી પાણીપૂરીમાંથી વાસી બટેટાનો માવો, પાણીપૂરીનું પાણી ત્રણ કિલો, ગણેશ ઘૂઘરામાંથી ત્રણ કિલો વાસી ચટણી, કિસ્મત એગ્ઝ સેન્ટરમાંથી ૩ કિલો વાસી બ્રેડ, મારૂતિ ઘૂઘરામાંથી બે કિલો વાસી ચટણી મળી કુલ ૩૧ કિલો વાસી ખાદ્યપદાર્થ પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ શાખાએ મવડી મેઈન રોડ પર જય મોમાઈ હોટેલ સામે દિલ્હીવાલે છોલે ભટુરેમાંથી છોલે-ભટૂરેનો રસો (લૂઝ) અને દાણાપીઠમાં રઘુનાથ ટે્રડર્સમાંથી એસ્યોર કમ્પાઉન્ડેડ હિંગ (૨૦૦ ગ્રામ પેક્ડ)નો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટેરીમાં મોકલ્યો છે.