મનપામાંથી વિકેટ પડવાનું શરૂ: ચારના રાજીનામા, એકનું મંજૂર
આસિ.ટાઉન પ્લાનર આર.જી.પટેલ ઉપરાંત આસિ.ઈજનેર નીતિન રામાવત અને વોર્ડ નં.૩ના ઈજનેર ચેતન ભટ્ટે ધર્યા રાજીનામા
ટીપી શાખાના અનેક કર્મીઓ રજા પર ઉતરી ગયા, આવનારા દિવસોમાં વધુ રાજીનામા પડશે
કામના ભારણ'ને કારણે ટીપી વિભાગના એક અધિકારી ઑફિસમાં જ બેભાન થઈ ગયા !
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે. તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના ક્લાસ-૧ અધિકારીની ધરપકડ થયા બાદ હવે આ બન્ને શાખાના અન્ય સ્ટાફને શંકાની નજરે જોવામાં આવી રહ્યો છે ! બીજી બાજુ મ્યુનિ.કમિશનર દ્વારા ટીપી શાખામાં બદલીઓ કર્યા બાદ ખાસ કરીનેશાખાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરી નાખતાં તેનું
ટેન્શન’ પણ કર્મીઓને સતાવ્યે રાખતું હોવાથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. એકંદરે વિકેટ પડવાનું શરૂ થઈ ગયું હોય તેમ ચાર લોકોએ રાજીનામા આપ્યા બાદ તેમાંથી એકનું મંજૂર થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે અધિકારીએ રાજીનામા આપ્યા છે તેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર આર.જી.પટેલ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર નીતિન રામાવત, વોર્ડ નં.૩ના એન્જિનિયર ચેતન ભટ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીપી શાખાના અનેક અધિકારી-કર્મીઓ રજા પર ઉતરી ગયા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે સાથે સાથે આવનારા દિવસોમાં વધુ રાજીનામા પડશે તે વાત પણ નિશ્ચિત બની ગઈ છે. એકંદરે તત્કાલિન ટીપીઓ ઉપરાંત ચારેક જેટલા એટીપીઓની ધરપકડ થયા બાદ આ શાખાના સ્ટાફને મનમાં એક જ ડર સતાવી રહ્યો છે કે તેમની પૂછપરછ માટે પણ ગમે ત્યારે ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવી શકે છે ! આ ઉપરાંત કામગીરીનું ભારણ પણ વધી ગયું હોવાથી સ્ટાફ રીતસરનો ત્રાસી જવા પામ્યો છે.
આ જ રીતે થોડા સમય પહેલાં આરોગ્ય શાખાના અધિકારી ચુનારાએ રાજીનામું આપ્યું હતું જે મંજૂર થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.
કામગીરીના આવા જ ભારણને કારણે તાજેતરમાં જ ટાઉન પ્લાનિંગ વિભાગના એક અધિકારી ઑફિસમાં જ બેભાન થઈને ઢળી પડતાં દોડધામ થઈ જવા પામી હતી. હવે રાજીનામાનો સિલસિલો અટકશે કે પછી જેટલા પડે તેટલા મંજૂર કરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે.