39.6 ડિગ્રી : વાદળો છવાતા રાજકોટના તાપમાનમાં ઘટાડો
વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન
રાજકોટ : રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા બાદ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સોમવારે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું અને અમદાવાદ, ગાંધીનગર ડીસા તેમજ વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો.
ચાલુ વર્ષે આકરા ઉનાળા અને હીટવેવના અનુભવ વચ્ચે લાંબા સમય બાદ સોમવારે રાજ્યના ચાર શહેરણોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની નીચે આવી ગયો હતો. સોમવારે સૌથી વધુ મહત્તમ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી નોંધ્યું હતું. અમદાવાદમાં 40.6, ગાંધીનગરમાં 40.5, ડીસામાં 40.2, સુરેન્દ્રનગરમાં 39.3, રાજકોટમાં 39.6 વડોદરામાં 39.6, કંડલા એરપોર્ટ ખાતે 39.3, અમરેલીમાં 38, ભાવનગરમાં 38.4, ભુજમાં 37.6 અને સુરતમાં 35.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના આંકડા જણાવી રહ્યા છે.