આ દિવાળીએ રાજકોટને શુદ્ધ મિઠાઈ ખાવા મળશે ?!
એક સપ્તાહમાં બીજી વખત મિઠાઈની દુકાનો ઉપર ફૂડ શાખાના દરોડા: ૨૦ સ્થળેથી નમૂના લેવાયા
બરફી, મઠ્ઠો, માવો, હલવો સહિતની મિઠાઈનું ચેકિંગ: `બચીસ કેન્ડી’માંથી પાંચ કિલો વાસી કુલ્ફી પકડાઈ
આજે દશેરાનો તહેવાર છે ત્યારે આજથી જ દિવાળીનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ જવાનું છે. આ બન્ને પર્વમાં મિઠાઈનો હજારો કિલોમાં ઉપાડ થઈ રહ્યો હોય નફાખોરો દ્વારા ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય આ વર્ષે આવી પ્રવૃત્તિ ન થાય તે માટે અત્યારથી જ તૈયારીઓ કરી લેવાઈ છે. મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચાલું સપ્તાહમાં મિઠાઈનું વેચાણ કરતી ૨૦થી વધુ ડેરી-દુકાનમાં ચેકિંગ કરી નમૂના લેવામાં આવ્યા હતા. આ પ્રકારની કાર્યવાહી બાદ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ દિવાળીએ રાજકોટને શુદ્ધ મિઠાઈ ખાવા મળશે ખરી ?!
ફૂડ શાખા દ્વારા કોઠારિયા રોડ પર, સોરઠિયાવાડી ચોક પાસે જય યોગેશ્વર ડેરી ફાર્મમાંથી મલાઈ કેક બરફી, ઓરેન્જ બરફી, વાણિયાવાડી મેઈન રોડ પર, જલારામ ચોકમાં આવેલી મહેશ ડેરીમાંથી ડ્રાયફ્રૂટ મઠ્ઠો, મલાઈ કેક બરફી, કોઠારિયા રોડ પર ખોડિયાર સોસાયટી મેઈન રોડ પર આવેલી જય ધારેશ્વર ડેરીમાંથી ડ્રાયફ્રૂટ મઠ્ઠો, મહાદેવવાડી મેઈન રોડ પર શ્રદ્ધા ગુલાબ જાંબુમાંથી રસબિહાર બરફી, ચોકલેટ બરફી, હનુમાન મઢી પાસે હરભોલે ડેરીમાંથી પાઈનેપલ બરફી, સ્પેશ્યલ બરફી, મીઠો ભાવો, મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલી ગેલમા ડેરીમાંથી મીઠો માવો, કોકોનટ બરફી, મોરબી રોડ પર સીતારામ સોસાયટી પાસે આવેલી જે.જે.સ્વીટ એન્ડ ડેરીમાંથી પંચરત્ન હલવો, મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટી પાસે બાપાસીતારામ ડેરીમાંથી સંગમ બરફી, ત્રિરંગા બરફી, રૈયા રોડ પર રાધે ડેરીમાંથી મીઠો માવો, મેંગો બરફી, ન્યુ યોગીનગર, યોગેશ્વર પાર્ક મેઈન રોડ પર મધુરમ ડેરીમાંથી મીઠો માવો, માર્શલ બરફી અને સાધુ વાસવાણી રોડ પર દ્વારકાધીશ ડેરીમાંથી ગુલાબ બરફીના નમૂના લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રૈયા ચોકડી, ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલી બચીસ કેન્ડીમાં ચેકિંગ કરવામાં આવતાં ત્યાં એક્સપાયર થઈ ગયેલી ૫૦ નંગ કેન્ડી પકડાઈ જતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.