રાજકોટ : શાળાનો ભો-ટાંકો સાફ કરતી વેળાએ મોટરનો વાયર અડી જતાં પીટી ટીચરનું મોત
કુવાડવામાં આવેલ આલ્ફા સ્કૂલમાં પાણીનો ટાંકો સાફ કરતી વેળાએ પી.ટી. ટીચરને વિજ કરંટ લાગતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા. અને અહી તેમનું ટૂંકી સારવારમાં મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી.
વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ કુચિયાદળ ગામે રહેતાં સાગર દિનેશભાઇ ડાભી (ઉ.વ.26) કુવાડવામાં આવેલ આલ્ફા સ્કૂલમાં પી.ટી. શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓ ગઈકાલે સ્કૂલમાં નોકરી પર ગયાં બાદ સ્કૂલમાં આવેલ ભોં ટાંકો સાફ કરવાનો હોય જેથી તેઓ ગોઠણ સુધી ભરેલા પાણીના ટાંકાની અંદર સફાઈ માટે ઉતર્યા હતાં.
સફાઇ કરતી વેળાએ ઇલેક્ટ્રિક મોટરનો વાયર અડી જતાં તેઓને વીજ શોક લગતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અને અહી તેનું મોત નીપજ્યું હતું.જ્યારે આ મામલે કુવાડવા પોલીસે બનાવની નોંધ કરી તપાસ કરતાં જણાવા મળ્યું હતું કે,મૃતક અપરિણીત અને બે ભાઈ એક બહેનમાં નાના હતાં. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.