રાજકોટ : બે સગા ભાઈઓએ યુવતીને લગ્નની લાલચ આપી બનાવી હવસનો શિકાર
- મોટા ભાઈએ હવસનો શિકાર બનાવતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો તો નાના ભાઈએ લગ્ન કરવાનું કહી બળાત્કાર ગુજારી તરછોડી દીધી : અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા ફરિયાદ નોંધાવી
રાજકોટના શાપરમાં રહેતા બે સગા ભાઈઓએ યુવતી પર વાર ફરથી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક ભાઈએ દુષ્કર્મ કર્યાં પછી, બીજા ભાઈએ લગ્નનું વચન આપી હવસનો શિકાર બનાવી બાદમાં બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા યુવતીની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
વિગત મુજબ શાપર પોલીસ મથકે 30 વર્ષીય ભોગ બનનાર યુવતીએ આરોપી તરીકે હરેશ દેવજી સોંદરવા અને અમરશી દેવજી સોંદરવાનું નામ આપતા જણાવ્યું હતું કે, આશરે ચારેક વર્ષ પહેલા યુવતી સાથે અમરશીએ બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. જેથી યુવતીએ ઝેરી દવા પી લીધી હતી.પણ યુવતીનો જીવ બચી ગયો હતો. આપઘાત પ્રયાસની વાત યુવતી અને આરોપી બંનેના પરિવારને થતાં તે સમયે યુવતી કાયદેસર કાર્યવાહી કરશે તેવું લાગતા અમરશીના ભાઇ હરેશે યુવતીને ફોસલાવી ‘હું તારી સાથે લગ્ન કરી લઇશ તેવો કરાર કર્યો હતો. બાદ હરેશ અને યુવતી બંને એક જ મકાનમાં રહેવા લાગ્યા હતા.
લીવ-ઇન દરમિયાન યુવતીએ અનેક વખત હરેશને લગ્ન કરી લેવા પ્રસ્તાવ મૂક્યો પણ હરેશે દર વખતે અલગ-અલગ બહાના બનાવ્યા હતા. દરમિયાન હરેશે અનેક વખત યુવતી સાથે શરીર સબંધ બાંધ્યા હતા. આ પછી તાજેતરમાં જ હરેશે બીજી કોઇ યુવતી સાથે લગ્ન કરી લેતા યુવતીએ શાપર પોલીસ મથકમાં ફરિયાદ કરતાં ગુનો નોંધો બંને ભાઇઓની શોધખોળ શરૂ કરી છે.