રાજકોટ : ઓમ સમર્પણ શરાફી મંડળીએ 263 ખાતેદારોનું દોઢ કરોડનું ફુલેકું ફેરવ્યું
- કુવાડવા રોડ પર 10 વર્ષથી ચાલતી પેઢીને રાતોરાત તાળા લાગી જતાં રોકાણકારો ધોવાયા : બી ડિવિઝન પોલીસે સંચાલકની શોધખોળ હાથધરી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કુવાડવા રોડ પર છેલ્લા 10 વર્ષથી ચલતી ઓમ સમર્પણ શરાફી મંડળીને રાતોરાત તાળા લાગી જતાં 263 ખાતેદારોને રોવાનો વારો આવ્યો છે. મંડળીનો સંચાલક ખાતેદારોના દોઢ કરોડ જેટલા રૂપિયા લઈને છનન થઈ જતાં બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
વિગતો મુજબ કુવાડવા રોડ પર આંબાભગત સોસાયટી મેઈન રોડ પર રહેતાં પરેશભાઈ મોહનભાઈ પરસાણા (ઉ.વ.41) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર આવેલ ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના સંચાલક શૈલેષ ઠુંમરનું નામ આપતાં જણાવ્યું હતું કે,પોતે 2010માં કુવાડવા રોડ પરની શ્રી સમર્પણ શરાફી મંડળીમાં એજન્ટ તરીકે નોકરી કરતાં હતા અને તે મંડળીમાં આરોપી શૈલેષ મંત્રી હતો. અને આરોપીએ 2015માં કુવાડવા રોડ પર પોતાની ઓમ સમર્પણ શરાફી મંડળી ખોલી હતી. જેમાં તેઓ 2016માં એજન્ટ તરીકે જોડાયા હતા.અને તેની સાથે તેના પત્ની પણ જોડાયા હતા.આરોપીએ મંડળીમાં રૂપિયાનું રોકાણ કરશે તે રોકાણના વાર્ષિક પાંચથી દસ ટકા દરે પાકતી મુદતે વળતર આપવામાં આવશે તેમ કહી ખાતેદાર બનાવ્યા હતા.
પરેશભાઈએ પોતે 94 ગ્રાહકો બનાવી તેના રૂ.35.04 લાખ રોક્યા હતા.અને તેમના પત્નીએ 79 ગ્રાહકોના 34.87 લાખ રોક્યા હતા. આ ઉપરાંત અન્ય બે એજન્ટો દ્વારા 90 ગ્રાહકોના 21.80 લાખનું રોકાણ કર્યું હતું. અને ફરિયાદીના પત્નીના પોતાના 10.40 લાખનું રોકાણ કરેલું હતું.જ્યારે વળતર દેવાનો સમય આવ્યો ત્યારે તે પેઢીને રાતોરાત તાળા મારીને સંચાલક શૈલેષ ભાગી ગયો હતો. અને તેને ફોન કરી સંપર્ક કરતાં તેનો ફોન પણ બંધ આવતો હતો. જેથી પરેશભાઈ દ્વારા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એસ.એમ.જાડેજા દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.