રાજકોટ મનપાનો છેલ્લો લોક દરબાર બન્યો તોફાની: પોલીસ બોલાવવી પડી
બાંધકામને લગતી અધધ ૮૪ ફરિયાદ: લોકોએ શાસકો સામે હાથ લાંબા કરીને રજૂઆત કરતાં મામલો ગરમાયો
મહિલાઓ બની રણચંડી: વિકાસમાં હંમેશા `પછાત’ રહેલા વોર્ડ નં.૧૮માં લોકોને કનડતા ૧૮૪ પ્રશ્નો !
વોઈસ ઓફ ડે, રાજકોટ
મહાપાલિકા દ્વારા શહેરીજનોને પડતી હાલાકી દૂર કરવા માટે દરેક વોર્ડમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરના છેલ્લા વોર્ડ નં.૧૮માં યોજાયેલો લોક દરબાર અત્યંત તોફાની બની જતાં આજી ડેમ પોલીસને દોડાવવા ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. રહેવાસીઓનું ટોળું સુવિધાઓ આપવા માટે ડાયસ સુધી ધસી આવતાં એક તબક્કે માહોલ એકદમ ગરમ થઈ ગયો હતો. જો કે પોલીસ અને વિજિલન્સે સમયસર પહોંચી જઈને બધું થાળે પાડ્યું હતું.
આ લોક દરબારમાં નળ, ગટર, લાઈટ, સફાઈ, પાણી સહિતના મુદ્દે અગવડ ભોગવી રહેલી મહિલાઓ રણચંડી બનતાં શાસકો પણ સ્તબ્ધ થ, ગયા હતા. અહીં સફાઈને લગતી ૧૯, ટ્રાફિકને લગતી ૪, ગેરકાયદેસર બાંધકામની ૧૪, દબાણો દૂર કરવાની ૪, ગટર ચોકઅપ થઈ જવા-ઉભરાઈ જવાની ૨૨, બાંધકામને લગતી ૮૪, રોશનીને લગતી ૧૬ મળી કુલ ૧૮૪ ફરિયાદો આવી હતી જે અત્યાર સુધી યોજાયેલા લોક દરબારની સૌથી વધુ ફરિયાદો છે.
અહીંના રહેવાસીઓ દ્વારા કરાયેલી રજૂઆતોમાં કનૈયા ચોક વિસ્તારમાં કાયમી ભરાયેલું રહેતું પાણી દૂર કરવા, રોડ-રસ્તા બનાવવા અને રસ્તા પરનું દબાણ દૂર કરવા, સોલવન્ટ વિસ્તારમાં ગેસ કનેક્શનની લા,ન નાખવા, સોલવન્ટથી કોઠારિયા ગામ સુધીના રોડનું કામ સત્વરે પૂર્ણ કરવા, સદ્ભાવના સોસાયટીમાં અવર-જવર માટે રસ્તો ખુલ્લો કરાવવા, જે.કે.પાર્કના કોમન પ્લોટમાં ખડકાયેલા દબાણો હટાવવા સહિતનો સમાવેશ થાય છે.