રાજકોટ કોર્પોરેશને આશરો છીનવ્યો, કલેકટરે માનવતા દાખવી
ઘર વિહોણા લોકોએ કડકડતી ઠંડીમાં બાળકો સાથે કલેકટર કચેરીમાં ધામા નાખ્યા
મોરબી રોડ ઉપર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને અન્નબ્રહ્મ યોજનાનો લાભ આપવા આદેશ
રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર મહાનગર પાલિકાએ ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોના ઝુંપડા હટાવી દઈ અહીં તારફેન્સીંગ કરી નાખતા કડકડતી ઠંડીમાં ઘરબાર વગરના બની ગયેલા ગરીબ પરિવારોએ સોમવારે ફરી જિલ્લા કલેકટર કચેરીમાં ધામા નાખતા જિલ્લા કલેકટરે માનવતા દાખવી આ તમામ પરિવારોને સાંત્વના પાઠવી પુરવઠા અધિકારીને બોલાવી તમામ પરિવારોને અન્ન બ્રહ્મ યોજનાનો લાભ આપવા આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચારેક દિવસ પૂર્વે રાજકોટ મહાનગર પાલિકાએ મોરબી રોડ ઓવરબ્રિજ નીચે મહાપાલિકાની જમીન ઉપર ઝુંપડા બાંધી રહેતા ગરીબ પરિવારોના ઝુંપડા હટાવી નાખતા આ ગરીબ પરિવારોએ જિલ્લા કલેકટર કચેરીમાં ધામા નાખ્યા હતા અને બાદમાં સમજાવટથી ફરી પોતાના ઝુંપડાવાળી જગ્યાએ જતા રહ્યા હતા. જો કે, મહાનગર પાલિકાએ પોતાની જમીન ઉપર ફેન્સીંગ કરી નાખતા ઘરબાર વગરના ગરીબ પરિવારો કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ફરી કલેકટર કચેરીમાં આવી ગયા હતા અને ન્યાય માટે જિલ્લા કલેક્ટરને મળતા જિલ્લા કલેકટરે તાત્કાલિક જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવી આ તમામ ગરીબ પરિવારોને અન્નબ્રહ્મ યોજનાનો લાભ આપવા આદેશ કર્યો હતો.
બીજી તરફ જિલ્લા કલેકટરના આદેશ બાદ પુરવઠા વિભાગે રાજકોટ પૂર્વ મામલતદાર કચેરીના સંબંધિત અધિકારી અને ઝોનલ કચેરીના અધિકારીને ઘરબાર વગરના આ તમામ નાગરિકોને સરકારની અન્નબ્રહ્મ યોજના હેઠળ ઘઉં, ચોખા સહિતનું રાશન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. નોંધનીય છે કે, સરકારની અન્નબ્રહ્મ યોજના હેઠળ છ મહિના સુધી આધાર પુરાવા વગર વિચરતું જીવન જીવતા નાગરિકોને અનાજ આપવાની જોગવાઈ છે.આમ એક તરફ મહાનગર પાલિકાએ કડકડતી ઠંડીમાં ગરીબોનો આશરો એવા ઝુંપડા છીનવ્યા ત્યારે બીજી તરફ બીજા સરકારી તંત્રએ મફત અનાજ આપવા વ્યવસ્થા કરી ગરીબ પરિવારોને સાંત્વના આપી હતી.