રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ ‘ફાઈનલ’: ૨૪ કલાકમાં જાહેરાત
ધારણા પ્રમાણેનું જ નામ નીકળવા વકી: પ્રદેશ નેતાગીરીની ભારે મહેનત-મશક્કત બાદ લગાવી મંજૂરીની મ્હોર'ને દિલ્હીથી મળી લીલીઝંડી
રાજકોટ સહિત આખા ગુજરાતના શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત આડે હવે ૨૪ કલાક જેટલો સમય બાકી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ પણ
‘ફાઈનલ’ થઈ ચૂક્યું છે અને એ નામ ધારણા પ્રમાણે મતલબ કે અપેક્ષિત જ હોવાનું પ્રદેશ નેતાગીરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
શહેર ભાજપ પ્રમુખ માટે આમ તો ૨૯ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાવેદારોમાં અમુક નામની ચોક્કસ તરફેણ કરાઈ હતી તો અમુક નામ ઉપર પ્રદેશ નેતાગીરી દ્વારા વહેલાસર ચોકડી પણ મુકી દેવામાં આવી હતી. આમ તો પ્રદેશ નેતાગીરીને શહેર ભાજપ પ્રમુખ નક્કી કરવા માટે ભારે મહેનત-મશ્ક્કત પણ થઈ પડી હોવાનું બહાર આવ્યું છે.
આ પછી જે નામ ફાઈનલ કરાયું તેના ઉપર આખરી મ્હોર લગાવવા માટે નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી મંજૂરી મેળવાઈ હતી. આમ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ નક્કી થઈ જ ગયું છે પરંતુ તેને તમામ જિલ્લા-શહેર પ્રમુખની સાથે જ જાહેર કરવામાં આવશે. બીજી બાજુ અમુક શહેર-જિલ્લા પ્રમુખની વરણી કરવા માટે પ્રદેશ જ નહીં બલ્કે દિલ્હીના નેતાઓને પણ પરસેવો વળી ગયો હતો. આખરે બધું ફાઈનલ થઈ ગયા બાદ હવે ૨૪ કલાકની અંદર તમામ નામ જાહેર કરી દેવામાં આવશે.
પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની ઘડી નજીક આવી રહી હોય કાર્યકરો ઉપરાંત દાવેદારો સહિતનામાં ગજબની ઉત્કંઠા પણ જોવા મળી હતી.