- અનંતનાગમાં જાહેરસભામાં કરી આકરી ટીકા
- ભાજપના લોકો જેલમાં જ રહેવાને લાયક છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે અને એવામાં
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદી નિવેદન સામે આવ્યું છે. અનંતનાગમાં એક જાહેરસભાને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસને ૨૦ બેઠક વધુ મળી હોત તો ૪૦૦ બેઠક જીતવાની વાત કરનારા જેલમાં હોત. તેમણે કહ્યું હતું કે, આ લોકો જેલમાં રહેવાને જ લાયક છે. તેમણે આ સભામાં નરેન્દ્ર મોદીને ‘ જુઠો કા સરદાર ‘ પણ કહ્યા હતા.
ખડગેએ કહ્યું હતું કે, ક્યાં ગયા ૪૦૦ને પારની વાતો કરનારા એ ખબર પડતી નથી. એ લોકો માત્ર ૨૪૦ બેઠક ઉપર જ જીતી શક્યા હતા. જો અમને ૨૦ બેઠક વધુ આવી હોત તો આ બધા લોકો આજે જેલમાં હોત. આ બધા જેલમાં રહેવાને જ લાયક છે. ભાજપ ભાષણ બહુ આપે છે પણ કામ અને કથનીમાં ઘણું અંતર હોય છે. ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લ્યે પણ કાશ્મીરનું કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન નબળુ નહી પડે. અમે સંસદમાં અમારી તાકાત બતાવી દીધી છે અને અમે આ તાકાતના આધારે જ આગળ વધશુ.
તેમણે કહ્યું હતું કે, અમારા ગઠબંધનથી ભાજપ ધ્રુજી ગયો છે અને તેથી ઉમેદવારોની યાદી વારંવાર બદલી રહ્યો છે. તમે અંદાજ લગાવી શકો છો કે, ભાજપના લોકો અમારા ગઠબંધનની એકતાથી ડરી ગયો છે.
ખડગેએ એવો પણ આરોપ મુક્યો હતો કે, ભાજાપો અહી લોકોને તોડી-ફોડીને હિંદુ-મુસ્લિમ વચ્ચે ખાઈ ઉભી કરવાની કોશિશ કરે છે. પણ આ કોશિશમાં તેઓ ક્યારેય સફળ નહી થાય. ભાજપ અને સંઘના હજારો કાર્યકરો અહી આવી જાય તો પણ અહીની પ્રજા ઝૂકવાની નથી. કોંગ્રેસ પક્ષ લોકોની સાથે છે અને હમેશા સાથે રહેશે.
તેમણે નરેન્દ્ર મોદીની પણ ટીકા કરતા કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં દરેક જગ્યાએ હુમલા થાય છે તો પણ મોદી ખોટું બોલવામાં શરમાતા નથી. કારણ કે તે જુઠોના સરદાર છે. તેમણે રાહુલ ગાંધીની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ યાત્રાનું કાશ્મીરમાં સમાપન થયું હતું અને તેને મોટી સફળતા મળી હતી.