રાજકોટ : પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં ચેમ્બર પ્રતિનિધિને હાંકી કઢાયા
- અગાઉ મિટિંગમાં સડેલા અનાજ અંગે ફરિયાદ ઉઠાવી હતી
- કલેકટરની સાફ વાત સલાહકાર સમિતિમાં ચેમ્બર પ્રમુખ હાજર રહી શકે પ્રતિનિધિ નહીં
ગત મહિને મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સડેલા અનાજ અંગેનો મુદ્દો ઉઠાવનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ આજે શનિવારે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં કાંકરાવાળા ઘઉં લઈને આવ્યા હતા. જો કે, બેઠક શરૂ થાય તે પહેલા જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિને દરવાજો બતાવી દઈ આ બેઠકમાં ફક્ત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જ હાજર રહી શકે તેવું સ્પષ્ટ જણાવી દેતા ચકચાર જાગી હતી.
રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીનાં અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠક શરૂ થતા પહેલા જ જિલ્લા કલેકટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય એવા પ્રતિનિધિ રાજુ જૂંજાને બેઠકમાં બેસવા દેવાને બદલે દરવાજો બતાવી દેવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જૂંજાએ કલેકટર સમક્ષ દલીલ કરી હતી કે, તોલમાપ કચેરી સહિતના વિભાગમાંથી અધિકારીને બદલે પ્રતિનિધિ જ હાજર રહે ચેહ તો હું કેમ ન રહી શકું ? જો કે, જિલ્લા કલેકટરે દલીલ નહીં કરવા જણાવતા તેઓ બેઠક છોડીને નીકળી ગયા હતા.
બીજી તરફ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જૂંજા સાથે થયેલા વર્તાવ અંગે તેઓએ મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી અને શહેરના ભગવતીપરા સહિતના વિસ્તારમાં પુરવઠાએ નમૂના લેવા છતાં હજુ પણ કાંકરી અને કસ્તરવાળા જ ઘઉંનું વિતરણ થતું હોવાનું જણાવી આ નમૂના આજની બેઠકમાં રજૂ કરનાર હોવાનું જણાવ્યું હતું. જો કે, તેઓને હાજર ન રહેવા દેવામાં આવતા આ મામલે તેઓએ મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી.
બીજી તરફ પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે, વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ, નવી દુકાનો માટે દુકાનદારોની નિમણૂક પ્રક્રિયા વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા સહિતનાં પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહયા હતા.