કેન્દ્રની તિજોરી છલકાઈ : સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.73 લાખ કરોડ
દેશના જીએસટી કલેક્શનમાં સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 6.5% નો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલય દ્વારા મંગળવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2024માં સરકારના ખજાનામાં 1.73 લાખ કરોડ રૂપિયા ($20.64 બિલિયન) જમા થયા હતા.
ગયા વર્ષે સમાન સમયગાળામાં એટલે કે સપ્ટેમ્બર 2023માં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.63 લાખ કરોડ હતું. આમ ઉત્તરોત્તર કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ રહી છે.
નેટ કલેક્શન 3.9% વધ્યું
રિફંડને બાદ કર્યા પછી ગણવામાં આવેલ નેટ જીએસટી કલેક્શન, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2024માં 3.9% વધીને રૂ. 1.53 લાખ કરોડ થયું છે.
સરકાર દ્વારા અપાયેલ ડેટા અનુસાર સપ્ટેમ્બર 2024માં 20,458 કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. આ રિફંડ એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 31% વધુ છે. ઓગસ્ટ મહિનામાં રૂ. 24,460 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 38% વધુ છે.
કલેક્શન માસિક ધોરણે ઘટ્યું
અર્ધવાર્ષિક ધોરણે જીએસટી સંગ્રહમાં વધારો થયો હોવા છતાં, મહિનાના આધારે 1.15% નો થોડો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં દેશનું જીએસટી કલેક્શન રૂ. 1.75 લાખ કરોડ હતું.