રાજકોટ : 48 દિવસમાં આચારસંહિતા ભંગની 307 ફરિયાદ
રાજકોટ : 16મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી અંગેનું જાહેરનામું અમલી બન્યા બાદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં આચારસંહિત ભંગની ફરિયાદોનો ધોધ વછૂટ્યો હોય તેવી સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં 48 દિવસમાં આચારસંહિતા ભંગની કુલ 307 ફરિયાદો નોંધાઈ હોવાનું તંત્ર દાવર જાહેર કરાયું છે.
પોસ્ટર, હોર્ડિંગ ઉપરાંત નેતાઓની જીભ લપસતાં ફરિયાદોનો ધોધ
આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ચૂંટણીપંચ દ્વારા સી-વિજિલ એપ, ટોલ ફ્રી નંબર સહિતની સુવિધા આપવામાં આવતા લોકોમાં જાગૃતિ આવાવણી સાથે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિષે કરેલ ટિપ્પણી બાદ આચાર સંહિતા ભંગની ફરિયાદોનુ પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, ખાસ કરીને મુદ્રક -પ્રકાશકના નામ વગરના બેનર્સ, હોર્ડિંગની સાથે સાથે ભાજપ અને કોંગ્રેસે પણ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા તા.3 મે સુધીમાં તંત્ર સમક્ષ કુલ મળી 307 ફરિયાદ નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિષે અશોભનીય ટિપ્પણી મામલે તેમજ ભાજપ વિરુદ્ધ મંદિરમાં સભા યોજવા મામલે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ વાંકાનેરમાં ધાર્મિક સ્થળનો પ્રચાર માટે ઉપયોગ અને હરખપદુડા શબ્દ વાપરવા બદલ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.