રાજકોટમાં સમી સાંજે ધોધમાર : વેરાવળ, માંગરોળમાં 5-5 ઈંચ
દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રની વાટ પકડતા ખેડૂતો ખુશખુશાલ
રાજકોટ : છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને ભૂલી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મુકામ કરી ધરાને તરબોળ કરી નાખ્યા બાદ મંગળવારથી સૌરાષ્ટ્રનું મંગલ મંગલ કરવા આવી પહોંચ્યા હતા, મંગળવારે ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વેરાવળમાં સાડાપાંચ ઈંચ અને માંગરોળ તેમજ માળીયા હાટીનામાં પાંચ – પાંચ ઈંચ વરસાદ વરસાવ્યો હતો તો સમી સાંજે રાજકોટમાં પણ મેઘરાજાની ધુંઆધાર ઇનિંગ શરૂ કરી ધોધમાર વરસાદ વરસાવતા લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થતા શહેરીજનો ખુશખુશાલ બન્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ જ મંગળવારે મેઘરાજે સૌરાષ્ટ્રની વાટ પકડી લેતા ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં સાડાપાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં અને માળીયા હાટીનામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ રાજકોટમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા ચોતરફ પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ મંગળવારે માણાવદરમાં 3 ઈંચ, મેંદરડામાં અઢી ઈંચ, પોરબંદરમાં અઢી ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, રાણાવાવમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ, કુતિયાણા અને બગસરામાં દોઢ ઈંચ, ભેસાણ, તાલાલા, ગીરગઢડા અને કેશોદમાં એક ઈંચ, લોધીકા, ધોરાજીમાં પોણો ઈંચ સહીત રાજ્યના 61 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.