રાજકોટમાં નશીલી દવા વેંચતા બે સહિત 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પ્રિસ્કીપશન વગર દવા વેચનારા તેમજ અન્ય ગેરરીતિ કરનાર મેડિકલ સ્ટોરના સંચાલકોને નાથ્યા
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં નશીલી સીરપનું વેચાણ કરનાર 2 મેડિકલ સ્ટોર તેમજ અન્ય ગેરરીતિ આચરનાર 52 સહીત કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે, સાથે જ ગેરરીતિ સબબ 13 મેડિકલ સ્ટોર સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ સહીત રાજ્યભરમાં મેડિકલ સ્ટોરમાંથી નશીલી દવાઓના વેચાણ સંદર્ભે સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકીંગનો દૌર શરૂ કર્યો હતો અને જુદી-જુદી ગેરરીતિ મામલે કડક પગલાં ભરી ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી રાજકોટ દ્વારા કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખવામાં આવ્યા છે જેમાં શાપરના શ્રીજી મેડિકલ સ્ટોર અને રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ રાઘવ મેડિકલ સ્ટોરના સંચાલકોએ નશીલી સીરપ વેંચતા પકડાતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી રાજકોટ દ્વારા જુદી-જુદી ગેરરીતિ મામલે ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, પંચનાથ મંદિર રાજકોટ ખાતે આવેલ ક્રિષ્ના સર્જીટેક, ગોંડલના લેજોરા ફોર્મ્યુલેશન, ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ નેપ્ચ્યુન ફાર્મા, રાજકોટના પ્રધાનમંત્રી જન આરોગ્ય ઔષધાલય, પરિશ્રમ પ્લાઝામાં આવેલ સુરભી મેડિકલ સ્ટોર, વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલ પ્રગતિ મેડિકલ સ્ટોર સહિત કુલ 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી નાખી 13 મેડિકલ સ્ટોરના સંચાલકોને ગેરરીતિ સબબ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.