ગોકુલનગર આવાસ યોજનામાંથી ૨૩ ‘બનાવટી’ લાભાર્થીના ક્વાર્ટર રદ્દ થશે
૧૪ના ડૉક્યુમેન્ટસની ચકાસણી કર્યા બાદ તેને કરાશે સોંપણી: ટૂંક સમયમાં જ ખરા હક્કદારને મળશે ઘરનું ઘર
રાજકોટ વોર્ડ નં.૫ના મહિલા નગરસેવિકા વજીબેનના પતિ કવા ગોલતર અને વોર્ડ નં.૬ના નગરસેવિકા દેવુબેનના પતિ મનસુખ જાદવ દ્વારા
કારીગરી’ કરીને લાગતાં-વળગતાંને ગોકુલનગરમાં આવેલી આવાસ યોજનામાં ફ્લેટ આપી દીધાનો ભાંડાફોડ થતાં જ મ્યુનિ.તંત્ર અને ભાજપ એક્શનમાં આવી ગયા છે. આ અંગે તાત્કાલિક તપાસ કમિટીની રચના કરાયા બાદ તેનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ૧૯૬માંથી ૨૩ બનાવટી લાભાર્થીઓને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે સાગરનગરમાંથી ૩૦૪ લાભાર્થીએ ક્વાર્ટર માટે ફોમર્યુ હતું જેમાંથી ૧૫૪ લાભાર્થીના ફોર્મ માન્ય રહ્યા હતા. આવી જ રીતે બેટદ્વારકાના ૧૩૯માંથી ૩૯ લાભાર્થીના ફોર્મ માન્ય રહ્યા હતા. વોર્ડ નં.૬ના પ્રદ્યુમન પાર્ક પાસે સાગરનગર અને બેટ દ્વારકા સ્લમ વિસ્તારમાં આવેલા તળાવને ડેવલપ કરવા માટે ત્યાં વસવાટ કરતાં ઝુંપડાધારકોને અન્યત્ર ક્વાર્ટર આપવા માટે ડ્રો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ડ્રો થયા બાદ ૧૯૩ ક્વાર્ટર ધારકોને ક્વાર્ટરની ફાળવણી કરાઈ હતી પરંતુ તેમાંથી ૨૩ પરિવારો એવા મળી આવ્યા છે જેમની પાસે પોતાનું મકાન હોવા છતાં તેમણે ફોર્મ ભરીને ક્વાર્ટર મેળવી લીધું હતું. હવે આ ફાળવણી રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૪ લાભાર્થીઓ એવા છે જેમાં ડૉક્યુમેન્ટસની ચકાસણી ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખરા હક્કદારને ઘરનું ઘર આપવામાં આવશે.
બન્ને કોર્પોરેટરોને પોતાનો પક્ષ રજૂ કરવા ૪૮ કલાકની મહેતલ
દરમિયાન આવાસ કૌભાંડ મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે મહિલા નગરસેવિકાઓ વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને આ કૌભાંડમાં તેમની ભૂમિકા છે કે નહીં તે અંગેનો જવાબ રજૂ કરવા માટે ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો છે. તેમનો જવાબ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હવે તમામ આવાસ યોજનાનું કરાશે ચેકિંગ
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે ટૂંક સમયમાં જ શહેરની તમામ આવાસ યોજનાનું ચેકિંગ કરવામાં આવશે અને તેમાં ભાડેથી રહેતા કે બીજા કોઈના નામે રહેતા લોકો મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જરૂર પડ્યે ગોકુલનગર આવાસ કૌભાંડમાં મહાપાલિકા ફરિયાદી બની પોલીસ ફરિયાદ પણ નોંધાવશે.