કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? હાઇકોર્ટમાં શું થયું ? જુઓ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન મળ્યાની ખુશી ફરી ઝટકામાં ફેરવાઇ ગઈ હતી અને કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટના જામીન અંગેના આદેશ પર હાઇકોર્ટે રોક લગાવી હતી. ઇડીએ જામીન રદ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અપીલ કરી હતી દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી જામીન પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. લાંબી દલીલો બાદ હાઇકોર્ટે ચુકાદો શુક્રવારે અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે 25 મી જૂને ફેસલો અપાશે
વાસ્તવમાં ઇડી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના જામીન મંજૂર કરતાં હુકમ સામે દિલ્હી હાઇકોર્ટમાં વાંધો લેવામાં આવ્યો હતો ઇડીએ હાઇકોર્ટમાં જઈને જામીન રદ કરવાની માંગણી કરી હતી. હાઇકોર્ટે સ્થાનિક કોર્ટના આદેશની નકલ પણ મંગાવી હતી અને ઇડીના વકીલે જામીન સામે દલીલો કરી હતી. ઇડીએ કહ્યું હતું કે જામીન આપતા પહેલા અમને સાંભળવામાં આવ્યા નથી. કેજરીવાલ બે મામલામાં મની લોન્ડરિંગના આરોપી બને છે. એમણે 100 કરોડની લાંચ માંગી હતી.
કેજરીવાલના વકીલની દલીલ ફગાવી
હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા કરાયેલી એ દલીલ ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ અરજી પર જલદી જ સુનાવણી હાથ ધરવાની જરૂર નથી.
તપાસને અસર થશે; ઇડીની દલીલ
કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા જેના વિરોધમાં ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઈડીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટમાં અમને આ મામલે અમારી દલીલો રજૂ કરવા માટે પર્યાપ્ત સમય જ નહોતો અપાયો. ઈડીએ પીએમએલએની કલમ 45નો હવાલો પણ આપ્યો હતો. ઈડી વતી એએસજી રાજૂએ કહ્યું હતું કે અમારો કેસ મજબૂત છે. આ સાથે તેમણે સિંઘવીની હાજરીનો પણ વિરોધ કર્યો હતો. ઈડીએ કહ્યું હતું કે તપાસ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસ પર અસર થશે કેમ કે આરોપી મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર નિયુક્ત છે.