પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૩૭ સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દિક્ષા પ્રદાન
દીક્ષાર્થી સાધુના માતા – પિતા ને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને માતા પિતાએ અહી સેવામાં આપી દીધા: મહંત સ્વામી મહારાજ
બી.એ.પી.એસ. સંસ્થાના તીર્થધામ બોચાસણ ખાતે ગતરોજ તા.૨૧/૧૧/૨૦૨૩ના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૧ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. એ જ પરિપ્રેક્ષમાં સંસ્થાની સંત દિક્ષાની પ્રણાલી અનુસાર અગાઉ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી લઈને તીર્થધામ સાળંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને યોગ્યતા પ્રાપ્ત કરી છે એવા ૩૭ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તીર્થધામ બોચાસણ ખાતે આજરોજ તા.૨૨/૧૧/૨૦૨૩ના રોજ સંત દિક્ષા અર્થાત ભાગવતી દિક્ષા પ્રદાન થયેલ છે. આમ બી.એ.પી.એસ. સંસ્થાની સંત પંક્તિમાં હાલ કુલ ૧૧૯૫ સંતો વિદ્યમાન થયા છે.
સમગ્ર વિશ્વના ૫૫ થી વધુ દેશોમાં આધ્યાત્મિક-સામાજિક સેવાઓનો વ્યાપ ધરાવતી બી.એ.પી.એસ. સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉચિત પદ ધરાવે છે જે સાથે સનાતન હિન્દુ ધર્મના મૂળભૂત મૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરીને, રાષ્ટ્ર સેવાની આહલેક જગાવી સૌ કોઈમાં ચારિત્ર્યની દ્રઢતા કરાવી જીવન સાર્થક કરવાનું નક્કર કાર્ય કરી રહી છે, જે માટે પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી વૈશ્વિક સ્તરે બાળ-યુવા-યુવતી અને મહિલા સત્સંગ પ્રવૃતિના કેન્દ્રો પૂર્ણકાલીન કાર્યરત છે. વ્યસન મુક્તિ, પર્યાવરણ જતન વગેરે તો જાણે કાયમી પ્રોજેકટ જ છે. વિપરીત સમયમાં સમાજને જ્યારે આફત આવે છે ત્યારે ભૂકંપ, સુનામી,પૂર, યુક્રેન-રશિયાના યુદ્ધની પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા માનવ સેવાની ભાગીરથી વહી છે જેની નોંધ સૌ કોઈ અને વૈશ્વિક સ્તરે લેવામાં આવી છે.
સવારે આઠ વાગ્યે દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં ભાગવતી દીક્ષા લેનારા પાર્ષદોના પૂર્વાશ્રમના એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ આ સમયે દીક્ષાદિનની સભામાં જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. આ સમારોહમાં ભાગવતી દીક્ષા લેવા જઈ રહેલ પાર્ષદોને સદગુરુવર્ય પૂજ્ય વિવેક્સાગર સ્વામીએ કંઠી, ઉપવસ્ત્ર, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પાઘ, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી (કોઠારી સ્વામી) એ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા અને પૂજ્ય ડોકટર સ્વામીએ આશીર્વાદ આપ્યાં હતાં અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ અર્થાત્ કે, ‘અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું’ એ દીક્ષામંત્ર આપી દીક્ષાર્થી સંતના ભાલ પર ચંદનની અર્ચા કરી અંતરનો રાજીપો વરસાવ્યો હતો. આ પ્રસંગે દીક્ષા લેનાર દીક્ષાર્થીઓના માતા-પિતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજનાં આ દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેનારા યુવાનોમાં અભ્યાસકીય રીતે જોઈએ તો ૫ પોસ્ટ ગ્રેજ્યુએટ, ૧૦ બી.ઇ., ૧ બી.સી.એ., ૧ બી.બી.એ., ૬ બી.એસ.સી., ૪ બી.કોમ, ૧ બી. ફાર્મ., ૨ બી.એડ, ૧ હોટલ મેનજમેન્ટ, ૬ અન્ય. આમ વિવિધ કારકિર્દી ધરાવતા કુલ ૩૭ પાર્ષદો આજે સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ગત માસમાં અમેરિકા ખાતે રોબિન્સવીલમાં વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામના ઉદઘાટન વખતે અમેરિકાની ધરતી ઉપર જન્મેલા, ઉચ્ચ કારકીર્દિ ધરાવતા ૩૦ યુવાનોને દીક્ષા આપી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ વરદ હસ્તે કુલ ૨૫૭ સંતો દીક્ષિત થયા છે.
દીક્ષા લેનાર પાર્ષદ શ્રી નિશ્ચલ ભગત એમનું પૂર્વાશ્રમનું નામ હાર્દિકભાઈ છે, જેઓ વિદ્યાનગર સ્થિત બી.વી.એમ. કોલેજમાંથી એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઉદેપુર IIM માંથી એમ.બી.એ. થયા છે. ઊંચા પગાર વાળી નોકરીનો ત્યાગ કરીને સાધુ થયા છે. એમણે જણાવ્યું કે, “ભગવાનની મોટ્યપ સામુ જોઈએ છે ત્યારે ભગવાન અને ગુરુ કરતા આ લોકની કોઈ ડિગ્રી, પ્રતિષ્ઠા મોટી નથી. સંસારમાં રહીએ તો બે – પાંચ – પંદર વ્યક્તિને સુખી કરી શકીએ, પરંતુ અહી ભગવાન અને ગુરુના સાનિધ્યમાં સમગ્ર વિશ્વ અમારો પરિવાર છે. “