પૂર્વ મામલતદાર દ્વારા 26 આસામીઓની રૂ.4.82 કરોડની મિલકત જપ્ત કરાઇ
બેન્કોમાંથી કરોડોની લોન મેળવી સમયસર હપ્તા ન ભરતા બાકીદારો સામે કાર્યવાહી
સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ કલેકટર દ્વારા કેસ ચલાવ્યા બાદ લેવામાં આવેલા પગલા
બેન્કોમાંથી ધંધાના વિકાસ માટે લાખોની લોન મેળવ્યા બાદ સમયસર હપ્તા ન ભરતા વ્યાજ અને મુદ્દલ સાથે ત્રણ ગણી રકમ થઈ જતાં આખરે આવા બાકીદારોની મિલકત જપ્તિમાં લેવાતી હોય છે. રાજકોટમાં સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા છેલ્લાક સમયથી સરફેસીના કેસ ચલાવી જરૂરી કાર્યવાહી માટે મામલતદારને આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટના પૂર્વ ઝોનના મામલતદાર દ્વારા 26 આસામીઓ સામે બાકીની રકમ વસૂલવા નોટિસ કાઢી હતી. બાદમાં રૂ.4.82 કરોડની મિલ્કતોનો કબજો લઈ બેંકને સોંપી દીધો હતો.
રાજકોટ શહેરમાં આવા અનેક આસામીઓ વિરુદ્ધ કલેકટર કચેરીમાં સરફેસી એક્ટ હેઠળ બાકીદારો સામે કેસ ચાલી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્કોના બાકી લેણાની રકમ ભરપાઈ ન કરનારા આસામીઓ સામે કડક વસૂલાત શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી હેઠળના જે બાકીદારો પાસે રૂ.4,82,52898ની રકમ બાકી હતી તેવા લોકો સામે કાર્યવાહી કરી મિલકત જપ્તી લેવામાં આવી હતી.