સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આસી.પ્રોફેસરોનો પ્રોબેશન પિરિયડ વધુ છ માસ લંબાવાયો
એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય કેન્દ્રના વીઝીટીંગ ડોકટર્સના વેતનમાં વધારો
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડો. કમલ ડોડીયાએ ચાર્જ સંભાળ્યા બાદ તેમના અધ્યક્ષ સ્થાને આજે યુનિ.ની એકઝીકયુટીવ કાઉન્સિલની પ્રથમ બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી કરાયેલા આસી.પ્રોફેસરોનો પ્રોબેશન પિરિયડ વધુ છ માસ લંબાવા નિર્ણય કરવાની સાથે ભરતીમાં હવે દિવ્યાંગ ઉમેદવારો માટે 4% અનામતનો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠકમાં પૂર્વ કાર્યકારી કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના કાર્યકાળ દરમ્યાન 12 જેટલા મદદનીશ અધ્યાપકોની વિવિધ ભવનો માટે ભરતી કરવામાં આવી હતી. જેનો પ્રોબેશન પીરીયડ વધુ છ માસ લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવેલ હતો અને આ મામલે ખાસ કમીટીની પણ રચના કરવામાં આવી હતી.આ ઉપરાંત યુનિ.માં કોમ્પ્યુટર સોફટવેર સબંધીત કામગીરી સંભાળતા આઉટ સોર્સીસ એન્જીનીયર્સના વેતનમાં વિસંગતતા રહેલી હોય આ વિસંગતતા નિવારવા મહેનતાણું વધારવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાથે જ એકઝીકયુટીવ કાઉન્સિલની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના આરોગ્ય કેન્દ્રમાં વિઝીટર ડોકટર્સ તરીકે સેવા આપતા તબીબોના વેતન વધારા અંગેની દરખાસ્તને માન્ય રાખી આ વિઝીટર્સ ડોકટરને પ્રતિમાસનું વેતન વધારીને રૂા.5000 કરવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝીકયુટીવ કાઉન્સીલમાં નિર્ણય લેવામાં આવેલ હતો.