પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત ! સરકારનો જવાબ
બજેટ સત્રમાં પાટણના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રીએ આપ્યો જવાબ
ગાંધીનગર : રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરતા જ વીજગ્રાહકોમાં રોષ ફાટી નીકળતા લોકસભા ચૂંટણી સમયે સરકારે સ્માર્ટ મીટરમાં પાછીપાની કરી લીધી હતી પરંતુ હવે નગરપાલિકા અને પંચાયતી ચૂંટણીમાં સરકારને પ્રચંડ જીત મળતા જ સરકારે યુટર્ન મારી તમામ વીજ ગ્રાહકો માટે પ્રિપેઇડ વીજ મીટર ફરજીયાત હોવાનું વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર કરતા આવનાર દિવસોમાં ફરી રાજ્યભરમાં રોષ વ્યાપે તેવા સંકેતો મળી રહ્યા છે.
વિધાનસભાના બજેટસત્રમાં પાટણના ધારાસભ્ય કિરીટકુમાર ચીમનલાલ પટેલે ઉર્જામંત્રીને સવાલ પૂછ્યો હતો કે, તા.31/10/2024ની સ્થિતિએ રાજ્યમાં વીજ ગ્રાહકોને સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાનો નિયમ છે કે કેમ અને જો નિયમ હોય તો તેના મુખ્ય કારણો ક્યાં છે. ધારાસભ્ય કિરીટકુમાર પટેલના પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ વીજગ્રાહકોને સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર ફરજીયાત લગાવવાનો નિયમ છે. જેના કારણો આપતા જણાવાયું હતું કે, સ્માર્ટ મીટર એ હાલના મીટરની આધુનિક આવૃત્તિ છે. હાલના મીટર અને સ્માર્ટ મિત્રની કામગીરી એક સરખી છે.
વધુમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, હાલના મીટર અંગે ગ્રાહક માહિતી માંગે તો વીજ કર્મચારીને રૂબરૂ જઈ મીટરમાંથી મશીન દ્વારા ડેટા ડાઉનલોડ કરી આપવામાં આવે છે જયારે સ્માર્ટ મીટરને કારણે ગ્રાહકને તેના મોબાઈલ ઉપર નિયમિત અને તાત્કાલિક માહિતી મળી રહે છે જેથી ગ્રાહકે માહિતીમાટે ઓફિસે આવવાની જરૂરત રહેતી નથી. નોંધનીય છે કે,સ્માર્ટ મીટર સામે રાજ્યભરમાં વીરડાઓઃ ઉઠતા લોકસભા ચૂંટણી સમયે સરકારે પ્રાથમિક તબ્બકે સરકારી કચેરીઓમાં જ સ્માર્ટ મીટર લગાવવા નક્કી કરી નવા ગ્રાહક વીજ જોડાણ માંગે ત્યારે જ નવા સ્માર્ટ મિત્ર આપવામાં આવી રહ્યા છે. જો કે, વિધાનસભામાં ઉર્જામંત્રીના જવાબ બાદ હવે રાજ્યમાં ફરીથી સ્માર્ટ મીટર લગાવવા વીજકંપનીઓ કામગીરી શરૂ કરે તેવા પણ સંકેત મળી રહ્યા છે.