ગરીબ રેશનકાર્ડ ધારકોને તેલ મળ્યું નથી ને પુરવઠા ગોડાઉનમાં ચેકિંગના નાટક
તહેવાર આડે હવે અઠવાડિયું બાકી છતાં અડધું તેલ બાકી : અનાજ-તેલના જથ્થાનું સમયસર વિતરણ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની સૂચના કાગળ ઉપર
રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શનિવારે રાજકોટ ખાતે આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી.જો કે, રાજ્યના પુરવઠા પ્રધાન ગરીબ રેશનકાર્ડ ધારકોને હજુ તેલ ન મળ્યું હોવાની બાબત ચકાસતા ભૂલી ગયા હતા. સાથે જ પુરવઠા પ્રધાને રાશનકાર્ડ ધારકોને સમયસર વિતરણ થાય તે જોવા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી પરંતુ આ સૂચના માત્ર કાગળ ઉપર રહે તેમ હોવાનું જણાઈ રહ્યું છે.
જન્માષ્ટમીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહેવા છતાં હજુ સુધી રાજકોટના ગરીબ રેશનકાર્ડ ધારકોને સરકારના સસ્તાભાવના તેલનો લાભ મળ્યો નથી, ગઈકાલ સુધીમાં માંડ 2500 કાર્ટૂન તેલનો જથ્થો આવ્યો હતો જે કેટલાક દુકાનદારોને ફાળવવામાં આવ્યો હતો. બીજીતરફ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સવારમાં જ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વરમાં કોર્ટ પાસે આવેલા ફૂડ કોર્પોરેશનના ગોડાઉન તેમજ જંક્શન પાસે આવેલા રાજ્ય પૂરવઠા નિગમના ગોડાઉનની મુલાકાત લઈ ઘઉં, ચોખા, ચણા તેમજ તેલના ગોડાઉનનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.
નોંધનીય છે કે, 17 ઓગસ્ટ વીતવા છતાં હજુ રાજકોટમાં તેલનો જથ્થો વિતરણ થયો નથી ત્યારે પુરવઠા પ્રધાન કુંવરજીભાઈએ તહેવારો પર અનાજ-તેલ વગેરે રાશનનું વિતરણ આગોતરું તેમજ સમયસર થાય તે જોવા ખાસ સૂચના આપી હતી. આ સાથે રાશનકાર્ડ ધારકોને અનાજ-રાશનનો જથ્થો દર મહિને નિયમિત રીતે મળે તે જોવા પણ ખાસ સૂચના આપી હતી.
ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાકટ છતાં તેલ માટે વેપારીઓને ભાડા-મજૂરીનો ખર્ચ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની અણઆવડતને કારણે ચાલુ મહિને રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનોના બબ્બે વખત ધક્કા થઇ રહ્યા છે, તહેવાર એડીઇ હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં રાહતભાવનું તેલ પૂરતું આવ્યું નથી, ગઈકાલે તેલનો અડધો જથ્થો આવતા પુરવઠા નિગમે તમામ દુકાનદારોને મેસેજ કરી તેલ મેળવી લેવા સૂચના આપતા પરવાનેદારોને રીક્ષા કે અન્ય વાહનોના ભાડા ખર્ચી તેલ લઈ જવું પડ્યું હતું અને ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાક્ટરને વગર ડિલિવરી કર્યે બિલમાં લાખોનો ફાયદો મળી ગયો હતો.
હજુ પણ 2500થી 3000 કાર્ટૂન તેલ આવવું બાકી
જન્માષ્ટમી તહેવાર નિમિતે રેશનકાર્ડ ધારકોને 1 કિલોગ્રામ તેલ રાહતભાવે આપવાની જાહેરાત કર્યા બાદ 17 ઓગસ્ટ વીતવા છતાં હજુ સુધી ગોંડલના સપ્લાયર્સ દ્વારા રાજકોટના રેશનકાર્ડ ધારકો માટે ફક્ત 2500 કાર્ટૂન જ તેલના મોકલ્યા છે અને હજુ પણ 2500થી 3000 કાર્ટૂન તેલ આવવું બાકી હોય દુકાનદારોને પોતાના વાહન કે રીક્ષા કરી તેલ મેળવવા ધક્કા થઇ રહ્યા હોવનું પરવાનેદારો જણાવી રહ્યા છે.