પીત્ઝાઘેલું રાજકોટ’ રોજ ૫૦,૦૦૦ ઝાપટી જાય છે !
નામનો મતલબ ભલે ખબર ન હોય, ટેસ્ટ બરાબર યાદ રાખે એ રાજકોટીયન્સ
જાણીને આશ્ચર્ય થશે કે પચવામાં હળવા એવા ઘઉંના પીત્ઝા બહુ ઓછા લોકોને ભાવે છે'ને પેટ માટે સૌથી ભારે મેંદાના પીત્ઝાનો
ઉપાડ’ સૌથી વધુ
માર્ગરિટા, ઈટાલિયન, મેક્સીકન, ઈન્ડી-તંદુર, ફોર ચીઝ, ટેંગી ટોમેટો, ગોલ્ડન કોર્ન સહિત એક એકથી ચડિયાતી વેરાયટી ઉપર સવાર-બપોર-સાંજ થઈ રહેલો એટેક'
પીત્ઝા...આ શબ્દ બોલાય એટલે ત્રણ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના વૃદ્ધ સુધીના તેને ખાવા માટે
તલપાપડ’ બની જતા હોય છે ! વળી, પીત્ઝાની વેરાયટીના નામ આપણું માથું ચકરાવે ચડાવી દે તેવા હોય છે અને ઘણાખરાને તો તે યાદ પણ બહુ મહેનત બાદ રહેતા હોય છે ત્યારે તેની ફિકર કર્યા વગર માત્રને માત્ર પીત્ઝાનો ટેસ્ટ યાદ રાખવા માટે જાણીતા રાજકોટીયન્સ અત્યારે આ વાનગી પાછળ એટલા બધા ઘેલા છે કે દિવસના ૫૦,૦૦૦ (કદાચ તેનાથી વધુ હોઈ શકે, ઓછા તો નહીં જ હોય) ઝાપટી જાય છે ! હવે રાજકોટને પીત્ઝાઘેલું રાજકોટ' કહેવામાં આવે તો અતિશ્યોક્તિ રહેશે નહીં...! એક સમય હતો કે જ્યારે ખીસ્સું ગરમ હોય તો પીત્ઝા ખરીદી શકાતો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પીત્ઝાની કિંમત ઘટતી ગઈ અને ખાવાનું પ્રમાણ વધતું ગયું છે. વળી, પીત્ઝા એક નબળી પાચનશક્તિ ધરાવતાં વ્યક્તિના કામનો પણ નથી કેમ કે તેમાં જે જે પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પચવામાં અત્યંત ભારે હોય છે.
જો કે
પચવાની ચિંતા કરીને વાનગી ખાય એ રાજકોટીયન્સ ન કહેવાય’ની માફક અનેક લોકો એક નહીં બલ્કે બે-ત્રણ ઓહ્યા કરી જાય છે ! બજારમાં અત્યારે એક એકથી ચડિયાતા પિત્ઝાની વણઝાર ઉપલબ્ધ છે પરંતુ તેમાં મુખ્યત્વે વાત કરીએ તો માર્ગરિટા, ઈટાલિયન, મેક્સીકન, ઈન્ડી-તંદુર સહિતની વેરાયટીની માંગ ખૂબ જ જોવા મળી રહી છે. આ વાનગીઓ ઉપર સવાર, બપોર અને સાંજે વારંવાર એટેક' થઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટની
તાસીર’ હંમેશા અલગ જ રહી છે એટલા માટે પચવામાં સૌથી સરળ હોય તે વસ્તુથી બનેલા પીત્ઝાની જગ્યાએ પેટને સૌથી ભારે પડી જાય એવા પીત્ઝા ખાવાનો આગ્રહ વધુ રાખે છે ! એક વાત સૌ જાણે છે કે ઘઉં પચવામાં મેંદાની તુલનાએ સરળ હોય છે પરંતુ અહીંના લોકોને ઘઉં કરતાં મેંદામાંથી બનેલા પીત્ઝા ખાવાનો ચસ્કો વધુ જોવા મળી રહ્યો છે.
અત્યારે રાજકોટમાં નાની-નાની રેંકડીઓથી લઈ મસમોટા આઉટલેટ ધમધમી રહ્યા છે જેમાંથી એકાદ-બે જ એવા હશે કે જે નવરા બેઠા હશે બાકીની તમામ જગ્યાએ કીડિયારું ઉભરાયેલું જ જોવા મળે છે.
એક સમયે પીત્ઝા ૨૫૦નો મળતો, આજે ૪૦નો !!
શરૂ શરૂમાં જ્યારે પીત્ઝા રાજકોટમાં વેચાવાનું શરૂ થયું ત્યારે તેનો ભાવ ૨૫૦થી ૩૦૦ રૂપિયા હતો એટલા માટે જેમનું ખીસ્સું ગરમ હોય તે જ તેને ખરીદી શકતા હતા. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પીત્ઝા સસ્તો થતો ગયો અને આજે ૪૦ રૂપિયે પહોંચી ગયો છે. જો કે જેવા પૈસા એવી વસ્તુની માફક જેમ જેમ કિંમત વધુ હોય તેમ તેમ વેરાયટી પણ વધુ મળી રહી છે.
પીત્ઝામાં વેરિયેશન' ન લાવે તો ગુજરાતી ન કહેવાય !
પીત્ઝા એ ઈટાલિયન વાનગી છે પરંતુ તેમાં પણ
વેરિયેશન’ કહો તો તે અને `અખતરો’ કહો તો તે પણ રાજકોટે કરી લીધો છે. હવે તો રાજકોટમાં સૂકી ભાજી પીત્ઝા પણ બની રહ્યા છે અને ખવાઈ રહ્યા છે સાથે સાથે ભાખરી, ખાખરા પીત્ઝાની ડિમાન્ડ પણ એટલી જ છે.
પાઈનેપલ પીત્ઝા ? વાંચીને માથું ચકરાઈ ગયું ને ?
પિત્ઝા હંમેશા તીખાશ ઉપર જ હોય છે પરંતુ તેમાં પણ ફેરફાર થઈ ગયો છે અને પાઈનેપલ પીત્ઝાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. લગભગ ક્યાંય ન ખવાતો હોય તેવો પાઈનેપલ પીત્ઝા અહીં ખવાઈ રહ્યો છે. આ સાથે જ અનલિમિટેડ પીત્ઝાની બોલબાલા પણ એટલી જ રહી છે.
પીત્ઝા સાથે ગાર્લિક બ્રેડ-કોલ્ડ્રીંક્સ, મોજ પડી જાય તેવું `કોમ્બિનેશન’
એકલો પીત્ઝા ખાઈને ધરાઈ જાય તો એ રાજકોટ થોડું કહેવાશે ? પીત્ઝા સાથે અહીંના લોકોને પાસ્તા ઉપરાંત ગાર્લિક બ્રેડનો ચટાકો ઉપરાંત પેટને ટાઢું કરવા માટે કોલ્ડ્રીંક્સ તો જોઈએ, જોઈએ અને જોઈએ જ…એકંદરે આ મોજ પડી જાય તેવું કોમ્બિનેશન હોય લોકો પીત્ઝા જે જગ્યાએ ખાવા જાય ત્યાં પીત્ઝા તો ઠીક પરંતુ તેની સાથેનું કોમ્બિનેશન ટનાટન છે કે નહીં તેની પણ ખાતરી કરી લ્યે છે.
ફ્રોઝન પીત્ઝા પણ કરી રહ્યા છે ધીમે ધીમે આગેકૂચ…
અત્યાર સુધી રાજકોટમાં લાઈવ' પીત્ઝાનું જ ચલણ હતું પરંતુ વિદેશની સાથે સાથે હવે અહીં પણ
ફ્રોઝન’ પીત્ઝાની ધીમે ધીમે આગેકૂચ થવા લાગી છે. આ પીત્ઝા એવો હોય છે જે રેડી ટુ ઈટ મતલબ કે ફટાફટ બનીને તૈયાર થઈ જાય અને ખવાઈ જાય તેવો હોય છે ત્યારે ફ્રોઝન પીત્ઝા પણ ત્રણ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે.