મીની વેકેશન ખુલતા જ રાજકોટ યાર્ડમાં ઘઉં-ચણાના ઢગલા
બેડી યાર્ડથી લઈ કાગદડી સુધી 2500 વાહનોના થપ્પા લાગ્યા : ધાણા, મેથી, જીરું અને મગફળીની પણ જંગી આવક
રાજકોટ : માર્ચ એન્ડીંગના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છ દિવસનું મીની વેકેશન જાહેર કરાયા બાદ મંગળવારે માર્કેટિંગ યાર્ડ શરૂ થતા જ યાર્ડમાં ઘઉં, ચણા, મેથી, રાય, ધાણા,મગફળી સહિતની ખેતપેદાશોના ઢગલા સર્જાયા હતા. યાર્ડ શરૂ થવાના ઈંતજારમાં ખેડૂતો રવિવારથી જ લાઈનમાં ગોઠવાઈ જતા બેડીથી લઈ કાગદડી સુધી અંદાજે 2500 જેટલા વાહનોના ઠપ્પા લાગી હતા. મંગળવારે એક જ દિવસમાં રાજકોટ યાર્ડમાં પોણા બે લાખ મણ ઘઉં અને સવા લાખ મણ ચણાની આવક નોંધાઈ હતી.
રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડીંગના કારણે તા.26થી31 માર્ચ સુધી રજા રાખવામાં આવતા હરરાજી સહિતની કામગીરી બંધ હતી. જેમાં સોમવારે સાંજથી આવક માટે યાર્ડના દરવાજા ખોલવામાં આવ્યા બાદ મંગળવારે હરરાજી શરૂ કરવામાં આવતા જ યાર્ડમાં વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થઈ હતી. યાર્ડના સત્તાવાર આંકડા મુજબ મંગળવારે ઘઉંની 1.75 લાખ મણ, ચણાની 1.25 લાખ મણ, ધાણાની 70,000 મણ, મેથીની 50,000 મણ, રાયડાની 5000 મણ, મગફળીની 22,500 મણ તથા જીરૂની 20,000 મણની આવક નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, માર્કેટિંગ યાર્ડ શરૂ થવાના ઈંતજારમાં ખેડૂતોએ રવિવારથી જ યાર્ડ બહાર લાઈનો લગાવી હતી અને યાર્ડ બહાર ખેતપેદાશો ભરેલા 2500 વાહનો ખડકાયા હતા. સાથે જ હાઈવે પર બેડીથી લઈ 12 કિલોમીટર લાંબી લાઈન થઈ હતી. યાર્ડ શરૂ થતા જ ચેરમેન જયેશ બોઘરા, ડાયરેકટર પરસોતમ સાવલીયા, સેક્રેટરી આર.બી.તેજાણી સહિતના સતાવાળાઓએ તમામ મોરચે વ્યવસ્થા સંભાળી મીની વેકેશન બાદ યાર્ડ પુનઃ શરૂ થતા શ્રીફળ વધેરીને વાહનોને માર્કેટયાર્ડ અંદર પ્રવેશ કરાવ્યો હતો.