પીપળીયા પાળ ગામ પાસેની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે લોકોનું હક્કાબોલ
પાંચ સોસાયટીના ૧૫૦૦થી વધુ રહિશોએ કલેકટર કચેરીએ સુત્રોચ્ચાર કર્યા
રાજકોટ શહેરની ભાગોળે આવેલ લોધીકા તાલુકાના પાળ ગામ તેમજ આજુબાજુની અનેક સોસાયટીમાં પાયાની સુવિધાનો અભાવ હોય આજે ૧૫૦૦થી વધુ મહિલા અને પુરૂષોનું ટોળું કલેકટર કચેરી ખાતે ધસી જઇ કચરા અને ગંદકીમાંથી કાયમી મુક્તી અપાવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સ્મશાન માટે જમીન, શુધ્ધ પાણી, સ્ટ્રીટ લાઇન સહિતની પ્રાથમિક સુવિધા પુરી પાડવા ઉગ્ર રજુઆત કરી હતી.
રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર અનેક સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા પાણી, લાઇટ સહિતની પાયાની સુવિધા પુરી પડાતી ન હોય જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કાલાવાડ રોડ પર લોધીકા તાલુકાના પીપળીયા પાળ ગામ પાસે ૧૫ વર્ષમાં અનેક સોસાયટી બની છે પરંતુ તેમાં વસવાટ કરતા હજારો નાગરિકોને આજ દીન સુધી પાયાની સુવિધા મળી નથી. વિકાસના નામે મોટા-મોટા દાવા કરતું તંત્ર લોકોને પ્રાથમિક જરૂરીયાત પણ પુરી પાડી શકતુ ન હોય આજે પીપળીયા પાળના ગ્રામજનો તેમજ આદર્શ રેસીડેન્સી, આનંદ રેસીડેન્સી, ખોડલ રેસીડેન્સી, આદર્શ વિહાર રેસીડેન્સી તથા અવધ રેસીડેન્સીમાં વસવાટ કરતી મહિલાઓ અને પુરૂષો મળી ૧૫૦૦થી વધુ લોકોએ કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં ભૂતિયા ડિમોલેશનમાં 2 કાર્યપાલક, ઈજનેર સહિત 5 અધિકારીને કરાયા સસ્પેન્ડ
ગ્રામજનો અને સોસાયટી ધારકોએ કલેકટર કચેરીમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગણી સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને કલેકટરને આવેદનપત્ર પાઠવી તાકિદે પ્રામિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. ગ્રામજનો અને સોસાયટી ધારકોએ જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ધરણા સહિતના જનઆંદોલનની ચીમકી આપી હતી.
રહિશોની મુખ્ય માંગણી
(૧) પીવાનું શુધ્ધ પાણી નિયમિત આપો.
(૨) પાંચેય સોસાયટીમાં પાકા ડામર રોડ બનાવો
(૩) મુખ્ય માર્ગ અને જાહેર સ્થળે સ્ટ્રીટ લાઇટ મુકો.
(૪) પાંચેય સોસાયટીમાં કચરા-ગંદકીના નિકાલની કાયમી વ્યવસ્થા કરો.
(૫) બાળકોના શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્ર આપો.
(૬) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ કરાવો.
(૭) સ્મશાન બનાવવા માટે સરકારી જમીન ફાળવો.
