પરસોત્તમ રૂપાલા V/S પરેશ ધાનાણી : રાજકોટમાં ઈતિહાસ રચાશે કે પુનરાવર્તન થશે…
કણકોટ ઇજનેરી કોલેજ ખાતે ૧૨,૬૦,૭૬૮ મતની 149 રાઉન્ડમાં થશે મતગણતરી
રાજકોટ : કાંટે કી ટક્કર જેવી રાજકોટ લોકસભા બેઠકની આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે જેમાં ઇવીએમમાં પડેલા ૧૨,૬૦,૭૬૮ મત તેમજ પોસ્ટલ અને ઇટીબીપીએસ મતોની સરકારી ઇજનેરી કોલેજ કણકોટ ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 149 રાઉન્ડમાં મતગણના કરવામાં આવશે બપોર સુધીમાં પરિણામ જાહેર થશે. રાજકોટમાં ભાજપના પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે જીત મેળવવા સફળ રહે છે કે પછી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિવાદનો લાભ લઇ બાજી મારશે તેનો ફેંસલો કાલે થશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીએ મતગણતરી અંગે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સવારે ૦૮-૦૦ કલાકે ઈ.વી.એમ. અને પોસ્ટલ બેલેટ બંન્નેની એકસાથે મતગણતરી શરૂ કરવામાં આવશે જેમાં કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરાશે, સમગ્ર મતગણતરી પ્રક્રિયા સી.સી.ટી.વી.થી મોનીટરીંગ કરાશે સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની મતગણતરી માટે બે મતગણતરી ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી હોય ડૉ.પૃથ્વીરાજ (IAS)તેમજ નરહરીસિંધ બાંગર (IAS)ની હાજરીમાં મતગણના કરવામાં આવશે.
વધુમાં ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક માટે ૨૨ રાઉન્ડ, ૭૧-રાજકોટ ગ્રામ્ય માટે ૨૮ રાઉન્ડ, ૬૬-ટંકારા માટે ૨૧ રાઉન્ડ, ૬૮-રાજકોટ પૂર્વ માટે ૧૯ રાઉન્ડ,
૬૯-રાજકોટ પશ્ચિમ માટે ૨૩ રાઉન્ડ, ૭૦-રાજકોટ દક્ષિણમાં ૧૭ રાઉન્ડ અને ૭૨-જસદણ વિધાનસભા બેઠકમાં ૧૯ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે. દરેક વિધાનસભા મતદાર વિભાગ (૬૬ થી ૭૨) વાઈઝ કુલ સાત હોલમાં ૧૪ × ૭ = ૯૮ ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવશે.સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મતગણતરી હોલમાં ફરજ બજાવશે. અને તેમની દેખરેખ નીચે મતગણતરી કરવામાં આવશે.
રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૨૦૩૬ મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાયેલા ઈ.વી.એમ.ની કુલ ૧૪૯ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. જેમાં ૭૧-રાજકોટ ગ્રામ્યમાં સૌથી વધુ ૨૮ રાઉન્ડમાં અને સૌથી ઓછા ૧૭ રાઉન્ડમાં ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં મતગણતરી થનાર છે. પોસ્ટલ બેલેટ માટે અલગ-અલગ બે કાઉન્ટીંગ હોલ રાખવામાં આવ્યા છે. જેમાં કુલ ૨૭ ટેબલો પર પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. જેમાં એક ટેબલ ઉપર કુલ ૨૨૪ (તા.૦૩/૦૬/૨૦૨૪ની સ્થિતિએ મળેલા) ETPBS ની મતગણતરી કરવામાં આવશે. (લશ્કરી દળોના મતદારો) તેમજ ૨૬ ટેબલો ઉપર કુલ ૧૨૬૨૧ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે.
લોકસભા બેઠકની મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે ૧૫૦૦ જેટલા સિવિલ કર્મચારીશ્રીઓની નિમણૂક અત્રેથી કરવામાં આવી છે. સાથે જ અંદાજે ૬૫૦ જેટલા પોલીસ સ્ટાફની બંદોબસ્ત ડ્યુટી આપવામાં આવી છે. લોકસભા બેઠકમાં રાઉન્ડવાર પરિણામોની જાહેરાત ચૂંટણી પંચના ટ્રેન્ડ સોફ્ટવેર મારફતે કરવામાં આવશે. રાજકોટ લોકસભા બેઠકમાં કુલ ૧૨,૬૦,૭૬૮ મતો પડયા હોય બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ કરી લેવામાં આવશે અને મતગણતરી બાદ ચૂંટણીમાં વપરાયેલ ઈ.વી.એમ.ને સુરક્ષિત રીતે વેરહાઉસમાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મતગણતરીના સ્થળે ઉચ્ચ અધિકારી સહિત તમામ માટે મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે.