પંચાયત-પાલિકાની ચૂંટણી પ્રક્રિયા બનશે હાઈટેક
નોમિનેશન સહિતની પ્રક્રિયાઓ ઓનલાઇન, ઉમેદવારનું નામ એન્ટર કરતા જ તમામ વિગતો ઉપલબ્ધ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા હાઈટેક બનાવવા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય ચૂંટણી આયોગે આ મામલે રાજ્યના છ ચુનંદા અધિકારીઓ સાથે આ ખાસ ઈ-ડેસ્ક સોફ્ટવેર મામલે મહત્વની બેઠક યોજી હતી જે ફાયનલ થયા બાદ તુરત જ ગ્રામ પંચાયતથી લઈ મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી આયોગના આ ખાસ પોર્ટલમાં કોઈપણ ઉમેદવારનું નામ દાખલ કરતા જ તમામ વિગતો તેમજ માન્ય અમાન્ય ઉમેદવારની યાદી તેમજ ગેરલાયક ઠરેલ ઉમેદવારની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.
રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે લોકસભા-વિધાનસભા ચૂંટણીની તર્જ ઉપર જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાઈટેક બનાવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઈ-ડેસ્ક વિકસાવવામાં આવી રહ્યું છે જેમાં રહેલી ત્રુટીઓ અને સુધારા વધારા માટે તાજેતરમાં રાજ્યભરમાંથી બે મામલતદાર, બે એસડીએમ, બે એડીએમ સહિતની છ સભ્યોની ટીમે ચૂંટણી અયોગ સાથે બેઠક યોજી હતી.
વધુમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણી જેમ જ પંચાયતી ચૂંટણી માટે પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યો છે જેમાં ઉમેદવારનું નામ એન્ટર કરતાની સાથે જ ઉમેદવારની તમામ વિગતો ઉપલબ્ધ બનશે સાથે જ ચૂંટણી પ્રક્રિયાને ઓનલાઇન બનાવી માન્ય, અમાન્ય ઉમેદવાર, કોઈ ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહે તો તેની વિગતો સહિતની જાણકારી પણ એક જ ક્લિક ઉપર ઉપલબ્ધ બનશે, ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગના નવા સોફ્ટવેર પોર્ટલ ફાઇનલ થયા બાદ તુરત જ ચૂંટણીની તારીખો જાહેર થનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઘેર શૌચાલય ન હોય તેવા ઉમેદવારો ગેરલાયક ઠરશે
આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે પોતાના ઘેર શૌચાલય હોવું જરૂરી હોવાનું તેમજ બેથી વધુ બાળકો ન હોવાનો નિયમ ફરજીયાત છે ત્યારે સરપંચ, સભ્ય, નગરસેવક બનતા ઉમેદવારોને શૌચાલય માટે આગોતરી તૈયારીઓ કરવી પડશે.P