કોસ્મો-ક્રિસ્ટલ સહિત ૮ ગેઈમ ઝોનમાં અત્યાર સુધી નર્યું ધુપ્પલ’ ચાલ્યું !
વર્ષોથી ફાયર એનઓસી વગર જ ધંધો ધમધમ્યો; ન તો મનપાએ કે ન તો પોલીસે ચેકિંગ કર્યું
સરકારનો આદેશ છૂટતાં જ ૮ સામે માનવ જિંદગી સાથે ખીલવાડ કરવા સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા
૧૦૦ રૂપિયાથી લઈ ૪૦૦ રૂપિયા સુધીની ટિકિટ ખરીદીને ગેઈમ ઝોનમાં આનંદ મેળવવા જતાં લોકોને જ્યારે આગમાં ભડથું થઈને મૃત્યુ પામવાનો વખત આવે ત્યારે અરેરાટી વ્યાપી જવી અને ફિટકાર વરસવો જ જોઈએ. આવું જ ટીઆરપી ગેઈમ ઝોનમાં બન્યું જે કોઈ પણ પ્રકારના નીતિ-નિયમ વગર ચાર-ચાર વર્ષ સુધી ધમધમ્યો છતાં માયકાંગલા તંત્રએ ત્યાં ચેકિંગ કરવાનું ટાળ્યું અને તેમના પાપે ભયાનક આગમાં ૨૭ લોકોએ જીવ ગુમાવવા પડ્યા! આ ઘટના બન્યા બાદ સરકાર એક્શનમાં આવી અને ફાયર એનઓસી વગર ધમધમતાં તમામ ગેઈમ ઝોનના માલિકો તેમજ સંચાલકો સામે ગુના નોંધવાનો આદેશ મળતાં જ પોલીસે
ગાડરિયા પ્રવાહ’ની માફક એક સાથે ૮ ગેઈમ ઝોન સામે ગુનો નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લીધો છે.
ક્રાઈમ બ્રાન્ચે કૂવાડવા રોડ પર વર્લ્ડ ઑફ વન્ડર બોમ્બે સુપર મોલમાં ચાલતાં ગેઈમ ઝોનના સંચાલક ભરત રામભાઈ ખાચર (રહે.રણુજા સોસાયટી, શેરી નં.૩), ક્રિસ્ટલ મોલમાં પ્લે પોઈન્ટના સંચાલક હિતેશ રામભાઈ ઓડેદરા (રહે.રાજનગર ચોક, શેરી નં.૩), કાલાવડ રોડ પર સરિતાવિહારમાં નોકઆઉટ ગેઈમ ઝોનના દિવ્યેશ ધીરૂભાઈ કાકડિયા (રહે.શ્યામ પાર્ક શેરી નં.૩, મવડી), કોસ્મોપ્લેક્સ સીનેમા અંદર આવેલા ગેઈમ ઝોનના અંકિત લાલજીભાઈ બોઘાણી (રહે.ગાયત્રીનગર શેરી નં.૫), કાલાવડ રોડ પર ઈન્ફિનિટી ગેઈમ ઝોનના રાજ પરાગભાઈ રૈયાણી (રહે.આત્મીય કોલેજ પાસે), ગીર ગામઠી રેસ્ટોરન્ટ સામે ફન બ્લાસ્ટ એન્ટરટેન્મેન્ટના આશિષ નરેશભાઈ રાઠોડ (રહે.ગુલાબવાટિકા-૩, અમીન માર્ગ), ૧૫૦ ફૂટ રોડ પર પરસાણા ચોકમાં આવેલા વૂફી વર્લ્ડ ગેઈમ ઝોનના પંકચ છગનભાઈ ખોખર (રહે.બેડીપરા) અને કૂવાડવા-અમદાવાદ હાઈ-વે પર ક્રિષ્ના વોટર પાર્કના તન્મય કાનનદેવ મુખરજી (રહે.ક્રિષ્ના વોટર પાર્ક, સ્ટાફ ક્વાર્ટર) સામે ગુના નોંધી ધરપકડ કરવામાં આવી છે.
અત્રે એ પ્રશ્ન મહત્ત્વનો છે કે આ તમામ ગેઈમ ઝોન વર્ષોથી ચાલી રહ્યા હતા પરંતુ ત્યાં કોઈ પ્રકારનું ચેકિંગ ન તો પોલીસે કર્યું કે ન તો મહાપાલિકાએ…! મતલબ કે અહીં નર્યું ધુપ્પલ જ ચાલ્યે રાખ્યું અથવા તો તંત્રના આંખમીંચમાણાથી ચાલ્યે રાખ્યું…!
અમુક ગેઈમ ઝોનનો સવાર સુધી ધમધમતાં !
ક્રાઈમ બ્રાન્ચે ૮ ગેઈમ ઝોન સામે ગુના નોંધ્યા તે પૈકીના નોકઆઉટ અને ઈન્ફીનિટી ગેઈમ ઝોન બપોરથી શરૂ થઈ વહેલી સવાર સુધી ધમધમતાં હતા. જો કે પોલીસે ક્યારેય તેને બંધ કરાવવાની તસ્દી લીધી ન્હોતી. આશ્ચર્યની વાત તો એ છે કે ઈન્ફીનિટી ગેઈમ ઝોન તો તાલુકા પોલીસ મથકની સામે જ આવેલું છે છતાં ત્યાં કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ ન્હોતી.