તમામ સેસન્સ કોર્ટમાં વધારાના એક સરકારી વકીલ ફિક્સ કરવા આદેશ
ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા રાજ્યભરના મુખ્ય સરકારી વકીલને 22 મુદ્દાની સૂચના
રાજ્યના દરેક જિલ્લાઓમાં ફરજ બજાવતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ તેમજ વધારાના જિલ્લા સરકારી વકીલો વચ્ચે વહેંચવામાં આવતા સેશન્સ કેસો, જામીન અરજીઓ તથા પરચુરણ અરજીઓ બાબતે નારાજગી, પક્ષપાત તથા વિખવાદો થતા હોવાની ફરીયાદો મૌખિક તથા લેખિતમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીને મળતા સમગ્ર મામલે વડી કચેરી દ્વારા રાજ્યના તમામ મુખ્ય સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ માટે 22 મુદ્દાની એડવાઈઝરી જારી કરી સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ સેસન્સ કોર્ટમાં વધારાના એક સરકારી વકીલ ફિક્સ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તેમજ વધારાના જિલ્લા સરકારી વકીલોને સૂચના આપતા જણાવવામાં આવ્યું છે કે, સરકારી વકીલોની નારાજગી, પક્ષપાત અને વિખવાદોને કારણે સેશન્સ કોર્ટોમાં આવતા પક્ષકારોને ઘણી અગવડતા ઉભી થાય છે અને ન્યાયની પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ થાય છે.તે માટે અલગ -અલગ 22 મુદ્દાની જરૂરી સુચના આપવામાં આવી છે જેમાં
ન્યાયની પ્રક્રિયા ઝડપી બને અને સેશન્સ કોર્ટોમાં ફરજ બજાવતાં ન્યાયધીશ, સાહેદો તથા પક્ષકારોને અગવડતા દૂર થાય, ન્યાય પ્રક્રિયા ઝડપી બને અને દરેક જિલ્લામાં ફરજ બજાવતાં સરકારી વકીલો વચ્ચે કામની વહેંચણીમાં એકસુત્રતા જળવાઇ તે જરૂરી છે.
ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશનની કચેરીને મળેલ સત્તા અન્વયે રાજયના તમામ મુખ્ય જિલ્લા સરકારી વકીલોને પોતાના જિલ્લામાં જેટલી પણ સેશન્સ કોર્ટ કાર્યરત હોય તે દરેક કોર્ટમાં, કોર્ટ દીઠ એક વધારાના જિલ્લા સરકારી વકીલને ફિક્સ કરવા અને તે કોર્ટોમાં ફળવાતા સેશન્સ કેસો, જામીન અરજીઓ તથા બીજી પરચુરણ અરજીઓ જે પણ આવે તે, તે જ સેશન્સ કોર્ટમાં ફિક્સ કરવામાં આવેલા સરકારી વકીલએ ચલાવવાની રહેશે.સાથે જ દરેક જિલ્લાના મુખ્ય સરકારી વકીલોએ તે જ જિલ્લાની પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ કોર્ટ અને સેસન્સ કોર્ટમાં કામગીરી કરવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
વધુમાં કોઈપણ મુખ્ય કે વધારાના સરકારી વકીલને કોઈપણ રાજકીય પક્ષનો હોદ્દો ધારણ નહીં કરવા તેમજ ખાનગી કેસ નહીં ચલાવવા અને તેઓને સોંપવામાં આવેલ કેસ જ સંપૂર્ણ તૈયારી સાથે નિષ્ઠાપૂર્વક ચલાવવા જણાવવામાં આવ્યું છે. સાથે જ તાલુકા મથકોએ સેસન્સ કોર્ટ હોય અને તાલુકામાંથી કોઈ એડવોકેટને સરકરી વકીલ તરીકે નિમણુંક આપેલ ન હોય તો જિલ્લા કક્ષાએથી વકીલોને રોટેશન પ્રમાણે મોકલવા સહિતની બાબતો અંગે સૂચનાઓ આપવામાં આવી છે.