અગ્નિકાંડમાં નાના માછલાઓ જ જવાબદાર
૨૫ દિવસની તપાસ અને ૧૦૦ પાનાના રીપોર્ટમાં સીટના અધિકારીઓએ એવુ જ કહ્યુ છે જે બધા જ જાણે છે
ટીપી શાખા, લાયસન્સ શાખા, ફાયરબ્રિગેડ, તાલુકા પોલીસ સ્ટેશન અને માર્ગમકાન વિભાગની બેદરકારીને લીધે બની ઘટના
કોઈને છોડશુ નહી એવી જૂની કેસેટ વગાડી અને હજુ તપાસ ચાલુ છે એવું પણ કહ્યુ
અગ્નિકાંડની ઘટનાના ૨૫ દિવસ પછી સીટ દ્વારા આજે સરકારને તપાસનો રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો .આ રીપોર્ટમાં કોઈ ઉચ્ચ અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે કે નહી તેનો ખુલાસો થયો નથી પણ સીટના વડા સુભાષ ત્રિવેદીએ પત્રકારોને કહ્યું હતું કે, આ દુર્ઘટના પાછળ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, ફાયર બ્રિગેડ, પોલીસ ખાતાની લાઈસન્સ બ્રાંચ અને તાલુકા પોલીસ સ્ટેશન ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની બેદરકારી જવાબદાર છે. સીટ દ્વારા આ મામલામાં જુદા જુદા વિભાગના ૨૪ જેટલા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે અને ૧૦૦ પાનાનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. હજુ સીટની તપાસ ચાલુ જ છે અને જેની પણ જવાબદારી ફિક્સ થશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આજે સીટના તમામ સભ્યો તેમ જ ડીજીપી વગેરે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા અને આ રીપોર્ટ સુપરત કર્યો હતો.
આ બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે, આ ઘટના કેવી રીતે બની, શું કારણો છે, સરકારના કયા વિભાગો સંકળાયેલા છે, તેમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે, ક્યાં ચૂક થઇ છે, આવા બનાવો અટકાવવા માટે આપણે શું કરી શકીએ, જવાબદારો સામે પગલા લેવા માટે જવબાદારી નક્કી કરવા માટે સરકારે સૂચના આપી હતી. જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી તપાસ કરી છે.
તેમણે જણાવ્યું કે, આ તપાસ દરમિયાન અલગ-અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે. જે અંગે સરકારને રિપોર્ટ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, આરએનબી, આ તમામ વિભાગની જે-જે નિષ્કાળજી હતી તેને શોધી કાઢી, તેના પૂરાવા શોધી કાઢીને સરકારના ધ્યાને મૂકવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, હજુ આવી ઘટના ન બને તે માટે શું-શું સુધારાની જરૂર છે, સુરક્ષિત વાતાવરણ કેમ થઇ શકે? તે માટે પણ તપાસ કરવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગૃહમંત્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે. કારણે કે, આમાં જે ઉચ્ચકક્ષાના અધિકારીઓ છે. તે તમામનો રોલ, તલસ્પર્શી અભ્યાસ હાલ ચાલુ છે. અન્ય આઇએએસ, આઇપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે.
અધિકારીઓ તો બર્થ ડે મનાવવા પરિવાર સાથે ગયા હતા
ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ જે ફોટો વાઈરલ થયો હતો તે અંગે સુભાષ ત્રિવેદીએ ચોખવટ કરતા કહ્યું હતું કે,માર્ચ-૨૦૨૨માં રાજકોટના ઉચ્ચ અધિકારીઓ બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા માટે પરિવાર સાથે આ ગેઈમ ઝોનમાં ગયા હતા. તેઓ ઉદઘાટનમાં ગયા જ ન હતા.
કોની કોની પૂછપરછ થઇ
સુભાષ ત્રિવેદીએ કહ્યુ હતું કે, આ કેસની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ચાર આઈ. એ એસ અને એક આઈ.પી.એસ અધિકારી સહિત ૨૪ અધિકારીઓની પૂછપરછ થઇ છે. અને આગામી દિવસોમાં હજુ જેની જરૂર પડશે તેની પૂછપરછ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ કેસની તપાસમાં કોઈ પણ અધિકારી કે પદાધિકારીની જવાબદારી દેખાશે તો તેની પૂછપરછ કરવામાં આવશે.
ગેઈમ ઝોનવાળા ૨૦-૨૦ લીટર પેટ્રોલને કેરબા ભરીને રાખતા હતા
જયારે આગ લાગી ત્યારે ત્યાં ૧૫૦૦ લીટર જેટલું પેટ્રોલ-ડીઝલ સંગ્રહાયેલું પડ્યું હતું તેવું બહાર આવ્યું હતું અને આ જ્વલનશીલ પદાર્થને લીધે જ આગ વધુ વિકરાળ બની હતી તેવું જાહેર થયું હતું પરંતુ આજે સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, ગેઈમ ઝોનના સંચાલકો ૨૦-૨૦ લીટર પેટ્રોલને કેરબા ભરીને લઇ આવતા હતા. આવું નિવેદન પેટ્રોલ પંપના સંચાલકોએ પણ આપ્યું છે અને સીસીટીવી ફૂટેજ પણ છે. એટલે ત્યાં કોઈ મોટો જથ્થો રાખવામાં આવ્યો હોય તેવું નથી.
જેમણે જીવ ગુમાવ્યા છે તેમને ન્યાય અપાવવા માટે સીટ કટિબદ્ધ છે
સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, અમે હજુ તપાસ કરીએ છીએ..અમે આ દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યા છે તેમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છીએ.