વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારોહ યોજાયો
૧૪ વિદ્યાશાખાઓના ૪૩૯૫૯ છાત્ર-છાત્રાઓને પદવીઓ, ૧૨૨ વિદ્યાર્થીઓને ૧૪૧ ગોલ્ડ મેડલ એનાયત
કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગ કરજો
રાજકોટ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮ મો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.
વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે.
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પદવી મેળવતા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન પ્રજ્વલિત દીવાની જેમ સદા પ્રકાશિત રાખે તેવી શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, સફળતાપૂર્વક શિક્ષણ પૂરું કર્યા બાદ માતા-પિતાના સ્વપ્નને પરિપૂર્ણ કરે અને સત્ય અને નિષ્ઠાના પાઠ જીવનમાં સદાય સાથે રાખી જિંદગીની પરીક્ષામાં પણ સફળ બને, એ જ સાચા શિક્ષણની પારાશીશી છે.
રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ૧૪ વિદ્યાશાખાઓના ૪૩૯૫૯ છાત્ર-છાત્રાઓને પદવી તથા ૧રર વિદ્યાર્થીઓને કુલ ૧૪૧ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને એમ.એસ.ચારણ તથા મેજર રામરાજના માર્ગદર્શન હેઠળ પી.ડી.માલવીયા કોલેજના એન.સી.સી. કેડેટ્સ દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.