અમરેલીના ધારીમાં એક ઈંચ, રાજકોટમાં ઝાપટા વરસ્યા
શુક્રવારે મેઘરાજા હળવા મૂડમાં : રાજ્યભરમાં મંગળવારથી ભારે વરસાદની આગાહી
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં શુક્રવારે મેઘરાજા હળવા મૂડમાં હોય તેવા અણસારો વચ્ચે સાંજ સુધીમાં 57 તાલુકામાં મેઘકૃપા વરસાવી હતી, જો કે, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ અમરેલીના ધારીમાં એક ઈંચ જયારે રાજકોટમાં ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો.બીજી તરફ આગામી તા.16ને મંગળવારથી રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યના 57 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં ચાર તાલુકામાં એક ઈંચ સુધી અને બાકીના 9 તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ અમેરલીના ધારીમાં 26મીમી, બોટાદના બરવાળામાં 24 મીમી, અમરેલીના લીલીયામાં 21મીમી, સુરતના ઉમરપાડામાં 21 મીમી, દાહોદના ફતેપુરા અને છોટા ઉદેપુરના ક્વાટમાં 16-16 મીમી, વલસાડના કપરાડા અને અમરેલીના બાબરામાં 15-15 મીમી સહીત કુલ 57 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ આવતીકાલથી ત્રણેક દિવસ માટે વરસાદનું જોર અને તેનો વિસ્તાર થોડો ઘટશે પરંતુ તારીખ 16 પછી ફરી ચોમાસુ જમાવટ કરશે.સાઉથ વેસ્ટ મોનસુન ટ્રફ તેની નોર્મલ પોઝિશનમા છે. મહારાષ્ટ્ર ઓડીસા આસામમાં સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે તે વધુ પ્રભાવક બનશે. આ પરિસ્થિતિ જોતા આગામી તારીખ 16 થી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના 35 થી 45 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 55 કીલોમીટર આસપાસ પહોંચી જવાની શક્યતા હોવાનું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે.