ટ્રેકિંગનો ક્રેઝ વધ્યો, ટ્રેન્ડ બદલાયો: ટેન્ટમાં નહિ હોટેલમાં રહેવાની ડિમાન્ડ
પીકનીક ટુરિઝમનાં કારણથી ટ્રેકિંગ પોઇન્ટ પર ટ્રાફિક વધ્યો:સમર વેકેશન માટે એડવેન્ચર કેમ્પનાં બુકીંગ શરૂ, ઉત્તરાખંડ અને હિમાચલ હોટફેવરિટ
ટ્રેકિંગ એક સાહસ છે,જે આત્માને પ્રકૃતિની અજાયબીઓની શોધ કરવા પ્રેરે છે.ફિઝિકલી સાથે મેન્ટલી ચેલેન્જ આપે છે.પહાડો,નદીઓ અને દરિયાકિનારે કરવામાં આવતી એક્ટિવિટી ટ્રેકિંગનો એક પ્રકાર છે.સમર વેકેશન શરૂ થતાની સાથે બાળકો અને યુવાનો ટ્રેકિંગ કેમ્પમાં જોડાઈ જાય છે.આ વર્ષે પણ કેમ્પ માટેનું બુકીંગ શરૂ થઈ ગયું છે પરંતુ જેમાં 50 ટકાનો ઘટાડો આવ્યો છે,જેનું કારણ ટ્રેકિંગની બદલાતી પેટર્ન છે.
ટ્રેકિંગ સાથે પીકનીક ટુરિઝમ વધી જતાં હવે પડકારજનક રીતે પહાડોને ચીરીને યુવાનો પહોંચી જતા એ વાત ભૂતકાળ બની ગઈ હોવાનું જણાવતા ભરતસિંહ પરમાર કહે છે કે,બાળકો અને યુવાનો ટ્રેકિંગમાં આવી પોતાની ક્ષમતાને ખીલવે છે પણ હવે એન્ટ્રોઇડ અને પેરેન્ટ્સનાં પેમ્પર વચ્ચે ટ્રેકિંગનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે.ટેન્ટના બદલે હવે ટ્રેકર્સ કરતાં તેમના પરિવારજનો ટ્રેકિંગ સમયે સુખ સુવિધાઓ આપતી લક્ઝુરિયસ હોટેલોની ડિમાન્ડ કરે છે.
વહેલી સવારે નેચર સાથે કનેક્ટ થવાને બદલે આરામથી એડવેન્ચર એક્ટિવિટી કરવી એવું યુવાનો માનતા થયા છે.ગુજરાત સહિત હિમાચલ, ઉત્તરાખંડમાં ટ્રેકિંગ પોઇન્ટ વધુ છે.વેકેશન આવતાં હવે એડવેન્ચર ટ્રીપ વધશે,બુકીંગ પણ શરૂ થઈ ગયા છે જ્યારે ટ્રેકિંગ કેમ્પની સ્ટાઇલ બદલાઈ ગઈ છે.
ઓલ એડવેન્ચરનાં ભરત કામલિયા કહે છે કે,25 વર્ષથી અમે બાળકો અને યુવાનોને એડવેન્ચર કેમ્પમાં લઈ જઈએ છીએ.હવે ટ્રેકિંગનાં સ્થળો પર ટુરિઝમ વધી ગયું હોવાથી ટ્રેકિંગ માટે જગ્યા ઓછી થઈ રહી છે.ટુરિસ્ટોનો ટ્રાફિક વધી ગયો હોવાને લીધે અનેક કી. મી.નું અંતર કાપ્યા બાદ એડવેન્ચર શરૂ થાય છે.
આ એડવેન્ચર પોઇન્ટ પર ટ્રેકિંગ માટે ફેવરિટ
હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં ટ્રેકિંગ કેમ્પ સૌથી વધુ થાય છે.કુલુમનાલી,ચોપટા, ચંદ્રખાની પાસ,શારપાસ,રૂપકુંડ,બેદનીબુગિયાલ, નૈનીતાલ,ડેલહાઉસી,લેહ લદાખ,કાશ્મીરમાં ગુલમર્ગ,પહેલગામ આ બધી જગ્યાઓ ટ્રેકિંગ માટે અનુકુળ છે જો કે થોડા વર્ષોથી અહીં પર ટુરિઝમ તરીકે વિકસી રહ્યા હોવાથી ટ્રેકર્સને ટ્રાફિક નડે છે.જ્યારે ગુજરાત નજીક આબુમાં પણ એડવેન્ચર કેમ્પ સૌથી વધુ થાય છે.
મહિલાઓમાં એડવેન્ચર ટુરિઝમનો ક્રેઝ વધ્યો
હવે વુમન્સમાં એડવેન્ચર ટુરનું મહત્વ વધ્યું છે,5 વરસમાં 40 ટકાનો વધારો થયો છે.ખાસ કરીને વર્કિંગ વુમન્સ અને પ્રોફેશનલ વુમન્સ એડવેન્ચર ટ્રીપ પર તેમનાં ફ્રેન્ડસ કે ટ્રાવેલ ગ્રૂપ સાથે જતી હોય છે,જેને કારણે હવે અનેક ટ્રાવેલ ગ્રૂપએ માત્ર મહિલાઓ માટે ટ્રીપ શરૂ કરી છે.આ વુમન્સ સોશ્યલ મીડિયાનાં માદયમથી સોલો ટ્રીપ પર જઈ રહી છે.