25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી હેલિકોપ્ટર મારફત રાજકોટ એઇમ્સ આવશે
વડાપ્રધાન રાજકોટમાં રેસકોર્ષ ખાતે સભા સંબોધશે : અટલ સરોવર ખાતે સભા યોજવા પણ વિચારણા વચ્ચે આજે સાંજે જિલ્લા કલેકટર તંત્રની મહત્વની બેઠક મળશે
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.24 અને 25મીએ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તા.24મીએ દ્વારકા ખાતે રાત્રી રોકાણ બાદ ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકાથી સીધા એઇમ્સ હોસ્પિટલ હેલિકોપ્ટર મારફત આવનાર હોવાનું અને બાદમાં રાજકોટ રેસકોર્ષ ખાતે સભા સંબોધે તેવી શક્યતાઓ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાનના આગમન અને કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સનું લોકાર્પણ કરશે. ગુજરાતની પ્રથમ અને એકમાત્ર રાજકોટ એઇમ્સ હોસ્પિટલ સંકુલ કુલ 201 એકર જમીનમાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. જેનું 250 બેડનું ઇન્ડોર યુનિટ વડાપ્રધાન દ્વારા સમર્પિત કરવામાં આવશે સાથે જ દેશની અન્ય ચાર એઇમ્સનું પણ રાજકોટથી વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી રાજકોટ ખાતે 150 વર્ષ જૂની જનાના હોસ્પિટલની નવી 11 માળની ઇમારતનું પણ લોકાર્પણ કરશે, ઝનાના હોસ્પિટલ બિલ્ડિંગનું અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા136 કરોડના ખર્ચે બનેલા રાજકોટના હરવા ફરવાના સ્થળ એવા અટલ સરોવરનું પણ લોકાર્પણ કરશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાત અને ખાસ કરીને એઇમ્સ લોકાર્પણને લઈ રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ પણ ગઈકાલે એઇમ્સની મુલાકાત લઈ મહત્વપૂર્ણ બેઠક યોજી લોકાર્પણ કાર્યક્રમ અંગેની સમીક્ષા કરી હતી. એઇમ્સ, ઝનાના હોસ્પિટલ અને અટલ સરોવર લોકાર્પણ કાર્યક્રમને લઈ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાષ્ટ્રપતિના કાર્યક્રમની વ્યસ્તતા વચ્ચે પણ સાંજે અધિકારીઓ સાથે બેઠક યોજી હોવાનું અને હાલ વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, બીજી તરફ સ્થાનિક અગ્રણીઓ અટલ સરોવર ખાતે સભા યોજવાની પણ વાત મૂકી રહ્યા છે. આ બધા વચ્ચે આજે સાંજ સુધીમાં વડાપ્રધાનની સભાનું સ્થળ ફાઇનલ થઈ જશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાં ક્યાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તે અંગેની રૂપરેખા પણ સાંજ સુધીમાં નક્કી કરી દેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હાલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સવારે એઇમ્સની મુલાકાત પણ લઈ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચાલતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથે જ સાંજના સમયે રાષ્ટ્રપતિની વિદાય બાદ જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી વડાપ્રધાનના રાજકોટ કાર્યક્રમ અને સભા સહિતના આયોજનને આખરી ઓપ આપનાર હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાહેરસભાને સંબોધન કરનાર હોય રાજકોટ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી સહિતના જિલ્લાને જનમેદની માટે ટાર્ગેટ પણ સોંપી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે સાથે જ દેવભૂમિ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમને લઈ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને રાજકોટની જવાબદારીઓમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે, રાજકોટ રેસકોર્ષના મેદાનમાં લાખોની જનમેદની ઉપસ્થિત રહે તે માટે પણ જે તે જિલ્લાને જવાબદારી સોંપાઈ છે.