સંયુક્ત પરિવારમાં રહેતા મેયર માટે હવે આખું રાજકોટ પરિવાર’
રાજકોટના પ્રથમ' નાગરિક એવા મેયર નયનાબેન પેઢડિયાનો
પ્રથમ’ ઈન્ટરવ્યુજ્યાં સુધી મેયરપદે કાર્યરત છે ત્યાં સુધી પોતાના કૂવાડવા રોડ પર આવેલા
સૂચિત’ મકાનમાં જ રહેવાનું પસંદ કરશે, મેયર બંગલે રહેવા માટે નહીં જાય કેમ કે ત્યાં જાય તો દેરાણી-સાસુથી અલગ રહેવું પડે !
મેયર બન્યા પછી જવાબદારી વધી પણ રૂટિન' નહીં બદલાય, સવારે ૫:૩૦ વાગ્યે જાગીને શ્વાનને રોટલો, પક્ષીઓને ચણ'ને આંગણું વાળવાનું નહીં ચૂકાય: રાજકારણમાં મારો કોઈ જ હરિફ નથી
અઢી વર્ષની અંદર રાજકોટને કાયમ માટે યાદ રહી જાય તેવા વિકાસ કામોની ભેટ આપવાની નેમ: નળ-ગટર-લાઈટ-સફાઈ-પાણી ઉપરાંત પેન્ડીંગ રહેલા પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવાશે
રાજકોટ મહાપાલિકાના ૨૨મા મેયર તરીકે લેઉવા પટેલ સમાજમાંથી આવતા વૉર્ડ નં.૪ના નગરસેવિકા નયનાબેન વિનોદભાઈ પેઢડિયાની પસંદગી કરવામાં આવી છે. ખેડૂત પરિવારમાંથી આવતાં નયનાબેન પેઢડિયાએ ચાર્જ સંભાળતાની સાથે પોતાનો
પ્રથમ’ ઈન્ટરવ્યુ વૉઈસ ઑફ ડે'ને આપ્યો છે જેમાં તેમણે મુક્તમને ચર્ચા કરીને અઢી વર્ષની ટર્મ દરમિયાન રાજકોટ માટે શું કરવા માંગે છે, કેવા વિકાસકામોની ખેવના ધરાવે છે સહિતના મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. મેયર નયનાબેન પેઢડિયાએ
વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સૌથી પહેલાં તો હું સંયુક્ત પરિવારમાં રહેવા માટે માનું છું અને મારી એ જ પસંદ છે એટલા માટે હવેથી તો આખું રાજકોટ મારો પરિવાર બની ગયો છે. રાજકોટના કોઈ પણ વિસ્તારની વ્યક્તિ માટે મારી કચેરી તેમજ મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે અને તેઓ ગમે ત્યારે મારો સંપર્ક કરીને મદદ માંગી શકશે. હું અત્યારે પતિ-પુત્રો-સાસુ-દિયર-દેરાણી સહિતના આઠ લોકોના સંયુક્ત પરિવાર સાથે મારા વૉર્ડ નં.૪માં આવેલા કૂવાડવા રોડ પરના મીરા પાર્કના `સુચિત’ મકાનમાં રહું છું. મેયરની રૂએ મને સત્તાવાર બંગલો મળે છે પરંતુ જો હું ત્યાં રહેવા જઈશ તો મારે પરિવારથી અલગ રહેવું પડશે એટલા માટે હું મારા જૂના ઘરમાં જ રહેવાનું પસંદ કરીશ અને પક્ષને લગત કોઈ પણ કાર્ય હશે તો એ હું મેયર બંગલો પરથી જ કરીશ.
વધુમાં તેમણે ઉમેર્યું કે મેયર બન્યા પછી મારી જવાબદારી અત્યંત વધી જશે પરંતુ હું મારું રૂટિન નહીં બદલાવું…હંમેશની જેમ સવારે ૫:૩૦ વાગ્યે જાગીને શ્વાનને રોટલો, પક્ષીઓને ચણ અને આંગણું વાળવા સહિતની કામગીરી ક્યારેય ચૂકાશે નહીં કેમ કે આ કાર્ય હું વર્ષોથી કરતી આવી છું અને આગળ પણ કરતી જ રહીશ.
નયનાબેને જણાવ્યું કે પતિ વિનોદભાઈ પેઢડીયા જાહેરજીવનમાં સંકળાયેલા હતા એટલા માટે તેમની સાથે કાર્યક્રમમાં જતા હોવાને કારણે જાહેર જીવનમાં આવવાનો વિચાર કર્યો હતો. બસ, આ પછી તેમણે વિવિધ સંસ્થાઓ સાથે મળીને સેવાકીય કાર્યોનો શુભારંભ કર્યો અને સાથે સાથે ઘર-પરિવાર પણ સંભાળતા ગયા હતા. આ પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ૨૦૨૧માં વૉર્ડ નં.૪ના કોર્પોરેટર બન્યા હતા. જો કે આ પહેલાં તેમણે અનેક લોકઉપયોગી કાર્યો તેમજ પક્ષ ઉપરાંત સંગઠનના મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
મારું વચન છે…રાજકોટને પાણીલેસ' ક્યારેય નહીં રહેવા દઈએ મેયર બન્યા બાદ રાજકોટના લોકોને નયનાબેન પેઢડિયા પાસે સૌથી વધુ અપેક્ષા પૂરતુ અને સમયસર પાણી મળી રહે તેની રહેલી છે કેમ કે વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે પાણીની અછત સર્જાવાના ભણકારા વાગવા લાગ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે રાજકોટને
પાણીલેસ’ ન તો શહેર ભાજપ કે ન તો રાજ્ય સરકાર રહેવા દે કેમ કે `સૌની યોજના’ થકી શહેરને જોઈએ તેટલું પાણી આપવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ અપાશે જ…આ ઉપરાંત શહેરના રોડ-રસ્તા વ્યવસ્થિત બને તેમજ જૂના પ્રોજેક્ટ જેવા કે રામદેવ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર, આજી રીવરફ્રન્ટ સહિતના ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયાસરત રહીશ…
સાસુ-માતા મારા સૌથી પહેલાં આદર્શ
પોતાના આદર્શ સાસુ અને માતાને ગણતા નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે આ બન્ને મહિલાઓ મારા પહેલાં આદર્શ છે. આ ઉપરાંત હું દેશના નાણામંત્રી નીર્મલા સીતારમણ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ તેમજ દેશ માટે જીવ ન્યોચ્છાવર કરી દેનારા રાણીઓને આદર્શ ગણી રહ્યા છે. આ મહિલાઓ પણ સામાજિક જવાબદારીની સાથે સાથે ઘરની જવાબદારી સંભાળવાનું ચૂકતા નથી એટલા માટે હું પણ બન્ને દાયિત્વ બરાબર નીભાવીશ તેવું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
નાનપણથી જ સ્વયંસેવક તરીકે કાર્યરત: ૧૫ વર્ષ સુધી સંઘમાં નગર કાર્યવાહ સહિતની જવાબદારી નીભાવી
નયનાબેન પેઢડિયા શિશુ વયથી જ સ્વયંસેવક તરીકે કાર્યર છે. આ ઉપરાંત તેમણે સંઘમાં ૧૫ વર્ષ સુધી નગર કાર્યવાહ અને ૧૯૮૯થી ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ અને સેવા ભારતીના સેવા વિભાગ સાથે સક્રિયતાથી દવાખાના, પુસ્તકાલય શિક્ષણના વિવિધ પ્રોજેક્ટ, સ્વાવલંબન કેન્દ્ર તેમજ ૩૫ વર્ષથી વિવિધ સ્થાનિક રાષ્ટ્રીય ચૂંટણી જેવી કે વિધાનસભા, સંસદીય મત વિસ્તારમાં રમેશભાઈ રૂપાપરાથી હાલના ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ ડૉ.વલ્લભભાઈ કથીરીયાથી સાંસદ મોહન કુંડારિયા સુધી ચૂંટણી પર્વ અંતર્ગત સંઘની સમન્વય બેઠકો, મતદાર જાગૃતિ અભિયાન સહિતના કાર્યો કરેલા છે.
નયનાબેન પેઢડીયાની રાજકીય કારકીર્દિ
- ૨૦૦૧માં જૂના વૉર્ડ નં.૭ના પ્રમુખ
- ૨૦૦૫માં શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ
- ૨૦૦૭માં મહિલા મોરચાના શહેરમંત્રી
- ૨૦૦૮માં શહેર ભાજપ સંગઠન મંત્રી
- ૨૦૧૨માં સંગઠન પર્વના સહઅધિકારી
- ૨૦૧૫માં વૉર્ડની બુથ સમિતિની સંરચનાના સહઅધિકારી
- ૨૦૧૧માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
- ૨૦૧૨માં ભાજપ સંગઠન પર્વના સહ ઈન્ચાર્જ
- ૨૦૧૭માં શહેર મહિલા મોરચાના પ્રમુખ
- ૨૦૨૧માં વૉર્ડ નં.૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય
- ૨૦૨૩માં મેયર
નયનાબેન પેઢડિયાને ટૂંકો પરિચય
જન્મ: તા.૭-૩-૧૯૭૨
અભ્યાસ: એમ.એ.બીએડ
જ્ઞાતિ: લેઉવા પટેલ
વય: ૫૧
બ્લડ ગ્રુપ: એબી+
ફોન નં.૯૪૨૮૨ ૩૩૧૨૬
પતિનું નામ: વિનોદભાઈ પેઢડિયા (અભ્યાસ: ગ્રેજ્યુએટ)
સંતાન: બે પુત્ર ધૈર્ય અને હર્ષ
જો હું જાહેર જીવનમાં ન હોત તો સમાજ સેવા કરતી જ હોત: વાંચનનો અત્યંત શોખ
નયનાબેને કહ્યું કે જો હું જાહેર જીવનમાં ન આવી હોત તો સમાજ સેવા જરૂર કરતી હોત. મને ફ્રી સમયમાં વાંચનનો બહુ જ શોખ છે એટલા માટે હું મારી સાથે હંમેશા પુસ્તકો રાખું જ છું. આ ઉપરાંત મને ભોજન બનાવવાનું બહુ જ ગમે છે એટલા માટે અલગ-અલગ પ્રકારની રસોઈ પરિવારને જમાડું છું. આ ઉપરાંત વૉર્ડ નં.૪માં ગૌશાળા નિર્માણનું કાર્ય કર્યું છે એ હંમેશા મને યાદગાર રહેશે. રાજકારણમાં અત્યારે મારું કોઈ હરિફ નથી અને હું આ વાતમાં માનતી પણ નથી. મને મારા પક્ષ તેમજ સંગઠન અને સાથીઓનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.