હાશ … હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સૂવાનો વારો નહીં આવે !!
ગાયનેક વિભાગ નવી જનાના હોસ્પિટલમાં ટ્રાન્સફર થતાં ત્યાં મેડીસીન અને સર્જરી વિભાગ ચાલુ કરાશે
આશરે 80 જેટલા બેડની સુવિધા વધી જતાં દાખલ થવા માટે દર્દીઓને વેઇટિંગમાં નહીં રહેવું પડે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને હવે દાખલ થવા માટે બેડ મળશે કે નહીં તેની ચિંતા નહીં કરવી પડે કારણ કે,નવી જનાના હોસ્પિટલ બની જતાં પીડીયુ સિવિલી હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.જેથી આ વિભાગ ખાલી થઈ જતાં તબીબી અધિક્ષક અને વિભાગોના વડાઓની મિટિંગો બાદ અહી મેડીસીન વિભાગ અને સર્જરી વિભાગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અહી વિભાગમાં 80 જેટલા બેડોની સુવિધા વધી જતાં દર્દીઓને દાખલ થવા માટે હવે વેઇટિંગમાં નહીં રહેવું પડે.
સૌરાષ્ટ્ર- કચ્છની જનેતાઓ અને નવજાત શિશુઓને એક જ સ્થળેથી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રૂ.121 કરોડના ખર્ચે બનાવમાં આવેલી ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ” હોસ્પિટલ બનાવમાં આવી છે.જેનું રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે.જેને અનુલક્ષી સિવિલ હોસ્પિટલમાંથી ગાયનેક વિભાગ અને કે.ટી. ચિલ્ડ્રન વિભાગને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ ખાલી રહેલા વિભાગોમાં મેડીસીન વિભાગ અને સર્જરી વિભાગને કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્યારે આ વિશે ‘વોઇસ ઓફ ડે’ની સાથેની ખાસ વાતચીતમાં વધુ વિગતો આપતા તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે,નવી જનાના હોસ્પિટલ કાર્યરત થઈ જતાં અહી આવેલા ગાયનેક વિભાગ અને ચિલ્ડ્રન વિભાગને નવી જનાના હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ ખાલી રહેલા વિભાગોમાં આગામી દિવસોમાં મેડીસીન વિભાગ અને સર્જરી વિભાગ શરૂ કરવામાં આવશે.જ્યારે આ વોર્ડમાં 80 જેટલા બેડ હોવાથી મેડીસીન અને સર્જરી વિભાગોમાં 80 બેડનો વધારો થઈ જતાં દર્દીઓને એડમિટ કરવા માટે વેઇટિંગમાં નહીં રહેવું પડે. તે ઉપરાંત જો વધુ બેડ મુકવાની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા પૂરી પાડી દેવામાં આવશે. જેથી મેડીસીન વિભાગમાં દાખલ દર્દીઓને દાખલ કરવા માટેની વ્યવસ્થા ન હોવાના કારણે જમીન પર સુવડાવીને સારવાર આપવાની જે સ્થિતિ ઊભી થાઈ છે. તે ફરી વાર ઊભી ન થાઈ તે માટે આ બાબત પર નિર્ણય લેવામાં આવ્યો છે.