જો મહાપાલિકા જાગશે નહી તો રાજકોટમાં મુંબઈવાળી થતાં વાર નહી લાગે !!!
મુંબઈના ઘાટકોપર-ઈસ્ટમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે ઉપર તૂટી પડેલા એક વિશાળ હોર્ડિંગને કારણે ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેકને ઈજા થઇ છે. આ દુર્ઘટના માટે હોર્ડિંગ લગાડનાર પેટ્રોલ પંપનાં માલિક સહિત કેટલાંક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સરકારે મૃતકોના પરિવારજનોને વળતર જાહેર કર્યું છે પરંતુ આટલું કરવાથી જેમના જીવ ગયા છે તે પાછા આવવાના નથી. મુંબઈમાં ભારે પવન અને વંટોળને લીધે આ દુર્ઘટના બની છે પણ આ પ્રકારની ઘટના ગમે ત્યાં બની શકે છે. અત્યારે ચોમાસુ માથે છે અને જો ધ્યાન રાખવામાં નહી આવે તો રાજકોટમાં પણ બની શકે છે.
રાજકોટમાં હોર્ડીંગ બોર્ડની પહેલેથી જ શંકાસ્પદ નીતિરીતિઓ વચ્ચે તોતિંગ કદના હોર્ડીંગ ઉપરાંત સર્કલો પર પણ આડેધડ બેનર્સ, હોર્ડીંગ લગાડી દેવાયા છે જે હટાવવાની હિંમત મનપાએ હકરી નથી. અગાઉ વાવાઝોડાની ચેતવણી વખતે મનપાએ એક નિવેદન બહાર પાડીને જો હોર્ડીંગ બોર્ડ ધસી પડે અને કોઈ જાનહાનિ કે ઈજા કે નુક્શાન થાય તો તેની જવાબદારી એજન્સીની રહેશે તેમ જાહેર કરી દઈને હાથ ઊંચા કરી દીધા હતા. પરંતુ આ જવાબદારીમાંથી છટકવાની વાત છે. આજે પણ રાજકોટમાં અનેક હોર્ડિંગ જોખમી છે અને જો તે ભારે પવન કે અન્ય કારણોસર નીચે ખાબકે તો મુંબઈવાળી થતાં વાર નહી લાગે. અહી
મોટી સાઈઝના હોર્ડીંગમાં વિન્ડો મૂકવાની દરકાર પણ કોઈ લેતું નથી.
ચોમાસા પહેલા પી.જી.વી.સી.એલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે અને નડતરરૂપ વૃક્ષો, ડાળીઓ કાપી નાખવામાં આવે છે પરંતુ મહાપાલિકા દ્વારા હોર્ડિંગની સલામતિ ચકાસવામાં આવતી નથી. દર વખતે એવું કહી દેવામાં આવે છે કે હોર્ડિંગને લીધે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી જે તે એજન્સીની રહેશે પણ આ જવાબદારી ક્યા પ્રકારની રહેશે, આ એજન્સી સામે કોઈનો જીવ જોખમાય તેવી બેદરકારી રાખવા બદલે ફોજદારી ગુનો નોંધાવાશે? કોણ નોંધાવશે? દંડ કરાશે તો કેટલી રકમનો કરાશે? હોર્ડીંગ બોર્ડ સલામત રીતે માઉન્ટ કરાયું છે તેનું ચેકીંગ ક્યા અધિકારી કરશે? હોર્ડીંગ બોર્ડ જોખમી છે, જે નજરે પણ પડે છે તે હટાવવાની કામગીરી કરશે કે નહીં કરાય? કોણ કરશે? ક્યારે કરશે? જાહેર રોડ પર મંજુરી વગરના હોર્ડીંગની જવાબદારી કોની? વગેરે પ્રશ્નોનાં કોઈ ઉત્તર આપી શકે તેમ નથી.