સુરત : કાળઝાળ ગરમીથી બચવા ટ્રાફિક પોલીસને અપાયા AC હેલ્મેટ
હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે લોકોથી વધુ ગરમી સહન ટ્રાફિક પોલીસકર્મીને કરવી પડતી હોય છે. કોઈ પણ ઋતુ હોય ટ્રાફિક પોલીસકર્મી ઠંડી, ગરમી કે વરસાદમાં પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યારે હવે સુરતમાં ટ્રાફિકપોલીસને કાળઝાળ ગરમીનો સામનો નહિ કરવો પડે. સુરત શહેર ટ્રાફિક પોલીસે પોતાના ટ્રાફિક પોલીસ ભરતીઓ માટે એક નવતર પ્રયોગ ની શરૂઆત કરી છે જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર આ ગરમીના સમયે ફરજ બજાવતા પોલીસ કર્મીને AC વાળુ હેલ્મેટ આપવામાં આવશે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ થઈ ચૂક્યો છે.ત્યારબાદ રાજ્ય સરકારે હવે સુરતમાં પણ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એસી વાળા હેલ્મેટ મોકલ્યા છે. જેની શરૂઆત સુરતમાં થઈ ગઈ છે. એસી વાળું હેલ્મેટ ગરમીના સમયમાં ખૂબ રાહત આપે છે અને હીટ વેવના સમયમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર કે ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીને રાહત આપશે. બીજી તરફ ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું છે કે, એસી હેલ્મેટ ને કારણે ટ્રાફિક પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે.તેમને હીટ વેવના સમયે પણ સરળતાથી ફરજ બજાવી શકે તેવી આશા છે.
આ હેલમેટની ખાસિયત એ છે કે, ચાર્જ કર્યા બાદ તે 8 થી 10 કલાક સુધી ચાલી શકે છે જેથી ગરમીના સમયમાં તેઓને રાહત મળી શકશે. ટ્રાફિક DCP અમિતાબેન વાનાણીએ જણાવ્યું કે, હાલમાં ટ્રાયલ પ્રોજેક્ટનો ડેમો કરવામાં આવી રહ્યો છે. જેમાં બે કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. તેઓની કાર્યક્ષમતામાં વધારો અને વધારે સમય પોઈન્ટ પર ઉભા રહીને સારી રીતે ટ્રાફિક નિયમન કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવ્યો છે અને સફળતા મળ્યેથી અન્ય મેઈન જંકશન પર કર્મચારીઓને પણ એસી હેલ્મેટ આપવામાં આવશે.