ગુગુલ પોલ ખોલશે ! સુચિતમાં બિનખેતીના ખેલ નહીં ચાલે
રાજકોટ જિલ્લા કલેકટરે ઓનલાઇન બિનખેતી પ્રક્રિયામાં ગુગલ મેપ ઇમેજ ફરજીયાત બનાવી
જમીન કૌભાંડ નગરી રાજકોટમાં વર્ષો પૂર્વે જમીન બિનખેતી કરાવ્યા વગર જ આવી ખેતીની જમીન બારોબાર વેચી મારી સૂચિત સોસાયટીઓ ઉભી કરવામાં આવ્યા બાદ હજુ પણ આવી કિંમતી જમીનો રેવન્યુ રેકર્ડ ઉપર ખેતી બોલતી હોય તેનો ફાયદો ઉઠાવી આવી જમીન ઉપર મકાનો ઉભા હોવા છતાં માત્ર કાગળ ઉપર ખેતીની જમીનને બિનખેતી કરાવી લેવાનો ખેલ ચાલતો હોય જિલ્લા કલેકટર દ્વારા હવેથી બિનખેતીની પ્રક્રિયામાં ફરજીયાત ગુગલ ઇમેજ મુકવા આદેશ આપતા અનેક કૌભાંડી તત્વોની મનની મનમાં રહી જાય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
ગુજરાત સરકારે બિનખેતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ઓનલાઇન બિનખેતી પ્રક્રિયા કરી સરળીકરણ કર્યું છે ત્યારે આ સરળીકરણનો ગેરલાભ લઈ કેટલાય અરજદારો દ્વારા બિનખેતી કે રિવાઇઝ બિનખેતી પ્રક્રિયામાં સ્થાનિક વહીવટીતંત્રને અંધારામાં રાખી કામ પાર પાડી લેતા હોવાનું જગજાહેર છે ત્યારે જમીન કૌભાંડ નગરી રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અગાઉ સૂચિત સોસાયટી બનાવી લીધા બાદ આવી કિંમતી જમીનને ખાલી બતાવી બિનખેતી કરવાનો ખેલ ચાલી રહ્યો હોય જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજકોટ શહેર અને જિલ્લામાં તમામ બિનખેતી પ્રક્રિયામાં ગુગલ મેપ ઇમેજ મુકવાનું ફરજીયાત બનાવતા કૌભાંડી તત્વોનો બિનખેતીનો રસ્તો બંધ થયો છે.
ઉલ્લેખની છે કે, સમગ્ર રાજ્યમાં રાજકોટ શહેરમાં સૌથી વધુ સૂચિત સોસાયટીઓ આવેલી છે અને હાલમાં આવી સૂચિત સોસાયટીમાં જમીન ખાલી કરાવી બાંધકામ હયાત ઉભા હોવા છતાં કેટલાય કૌભાંડીઓ દ્વારા સાચી હકીકત છુપાવી સુચિતમાં બિનખેતીના ખેલ પાડવામાં આવી રહ્યા હતા. એ જ રીતે રિવાઇઝ બનીખેતીના કિસ્સામાં પણ હયાત જમીન ઉપર બાંધકામ ઉભા હોવા છતાં પણ સ્થાનિક તંત્રને સાધી લઈ જમીન ખુલ્લી હોવાનું દર્શાવી જમીન ખુલ્લી હોવાનું બતાવી તંત્રને ઊંધા ચશ્માં પહેરાવવામાં આવતા હોય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગુગુલ મેપ ફરજીયાત બનાવવામાં આવતા આવી બિનખેતીનુ પ્રમાણ ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે.