કોઇને ખબર ન હતી કે ચોરનો ભાઇ ઘંટી ચોર નીકળશે!!
રાજકોટના અગ્નિકાંડની જ્વાળાઓ હજુ લબકારા નાખી રહી છે અને રૂપિયા ખાઈ ખાઈને પેટ ભરનારા ફાયર વિભાગના અધિકારીઓ જેલમાં છે ત્યાં સોમવારે ફરી એક ફાયર ઓફિસર લાંચ લેતા પકડાઈ ગયા હતા. અનિલ બેચરભાઈ મારુ નામના આ ઇન્ચાર્જ ફાયર ઓફિસર હજુ થોડા સમય પહેલા જ રાજકોટની સેવા માટે મુકાયા હતા અને તેમણે કાંડ કરી નાખ્યો હતો.તે જે ખુરશી ઉપર બેસતા હતા તે ખુરશી ઉપર અગાઉ ખેર અને ઠેબા અટક ધરાવતા ફાયર ઓફિસરો પણ બેસતા હતા અને બે હાથે ખાતા હતા પણ અગ્નિકાંડની જ્વાળાએ તેમને પોપટપરા જેલમાં બેસાડી દીધા છે. આમ છતાં તેઓ સુધર્યા નહી અને તેમને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે.
આટલી મોટી ઘટના પછી બધાને એમ હતું કે નવા જે અધિકારી આવશે એ થોડા પ્રમાણિક હશે પણ આ માન્યતા ભ્રમ સાબિત થઇ છે. જે ફાયર એન.ઓ.સી.વગર આખો કાંડ થયો અને ૨૭ જિદગી ઓલવાઈ ગઈ તે જ ફાયર એન.ઓ.સી. કાઢી આપવાના બદલામાં આ ભડના દિકરાએ ૩ લાખ રૂપિયા માગ્યા હતા. આ ત્રણમાંથી ૧.૨૦ લાખ તો લઇ પણ લીધા હતા અને બાકીના સોમવારે લીધા..એમાં પકડાઈ ગયા. બેશરમીની પણ હદ હોય છે..અને આ હદ અનિલ મારુ ક્રોસ કરી ગયા છે. અહી પ્રશ્ન એ થાય છે કે રાજ્ય સરકારે કોઈ અધિકારીનો ટે્રક રેકોર્ડ જોયા વગર રાજકોટ જેવી સેન્સેટીવ જગ્યાએ મૂકી દીધા હશે.
શું આ અધિકારીએ ભુજમાં નોકરી દરમિયાન કોઈ કાંડ કર્યો જ નહી હોય.. ખેર અને ઠેબા જેલમાં ગયા એટલે ફાયર એન.ઓ.સી.ની કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી અને લોકો હેરાન થતા હતા..આ પછી રાજ્ય સરકારે અનિલ મારુને ભુજથી રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુક્યા હતા અને કામની ગાડી પાટા ઉપર ચડી હતી. કોઈને ખબર ન હતી કે ચોરનો ભાઈ ઘંટી ચોર જ નીકળશે.
રાજકોટના નસીબ જ ક્યાંક ફૂટેલા છે. અહી નેતાગીરી પપેટ છે અને વિપક્ષનો અવાજ નથી. રાજકોટની ૨૫ લાખની જનતા મુંગા મોઢે આ અત્યાચાર જોઈ રહી છે. મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા સિવાય કોઈ કામ પૈસા વગર થતું નથી તે વારંવાર સાબિત થઇ રહ્યુ છે.
મારુની ઓફિસમાં દરોડો: અનેક ફાઇલ કબજે
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ ૧.૮૦ લાખની લાંચ લેતાં રંગે હાથે પકડાયા બાદ એસીબી દ્વારા તપાસ વેગવંતી બનાવી દેવામાં આવી છે. મારૂની ધરપકડ કરાયા બાદ તેમની સઘન પૂછપરછ કર્યા બાદ તેને સાથે રાખીને ઢેબર રોડ પર આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ઓફિસમાં સઘન ચેકિંગ કરીને અનેક મહત્ત્વપૂર્ણ ફાઈલ કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે અનિલ મારૂની ઓફિસ બહાર શનિવાર સુધી બોર્ડ લગાવાયું ન્હોતું અને બોર્ડ લાગતાંની સાથે જ તે લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
ફરી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પડશે ખાલી: કામગીરી ખોરંભે ચડી જવા ભીતિ
તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ધરપકડ થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી. બીજી બાજુ સરકારના આદેશની ફાયર એનઓસી વગરની મિલકતો સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવતાં એનઓસી મેળવવા માટે લોકો મનપા કચેરીએ દોડ્યા હતા. જો કે સીએફઓની જગ્યા ખાલી પડી હોવાથી કામ આગળ ન વધતાં ફાઈલોના થપ્પા લાગી ગયા હતા. આ પછી ૨૯ જૂને સરકાર દ્વારા અનિલ મારૂને રાજકોટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેથી કામ થોડું પાટે ચડતાં હવે તે લાંચ કેસમાં `અંદર’ થઈ જતાં સીએફઓની જગ્યા ફરી ખાલી પડી જતાં એનઓસી સહિતની કામગીરી ખોરંભે ચડી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મારુના ૧૫૦ ફૂટ રોડ પર આવેલા ઘર ઉપર એસીબી ત્રાટકી
એસીબીની એક ટીમે અનિલ મારૂ જ્યાં રહેતા હતા તે ૧૫૦ ફૂટ રોડ પર એચ.સી.જી. હોસ્પિટલ પાસે આવેલા ક્લાઉડ' એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૭૦૨માં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ અંગે ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારૂએ ઘણા સમય પહેલાં ૧.૨૦ લાખની લાંચ મેળવી લીધી હોવાથી તે રિકવર કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે આ રીતે ક્યાંયથી લાંચ લીધી છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. અત્યારે એસીબીની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેના ઘરેથી શું મળ્યું, ઓફિસમાંથી શું મળ્યું તેની જાહેરાત કરવામાં આવશે.