હોકર્સ ઝોનનો `વારો’ કાઢતી મનપા: 887 કિલો વાસી ખોરાકનો નાશ
હેમુ ગઢવી હોલ, પીડીએમ કોલેજ, રેલનગર, આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેઈટ, જામટાવર, વિરાણી સહિતના હોકર્સ ઝોનમાં ચેકિંગ: 1.08 લાખનો દંડ, 62ને નોટિસ
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા ખાણીભીણીમાં ભેળસેળ કરતા તેમજ વાસી-અખાદ્ય વાનગી પીરસી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં તત્ત્વો ઉપર તૂટી પડવાનો આદેશ આપતાં જ ફૂડ શાખાએ ડ્રાઈવ શરૂ કરી અલગ-અલગ હોટેલ-રેસ્ટોરન્ટસ તેમજ રેંકડીઓનો `વારો’ કાઢવાનું શરૂ કર્યું હતું. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા હોકર્સ ઝોનમાં ચેકિંગ કરાતા 887 કિલો વાસી ખોરાક મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખા દ્વારા આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેઈટની પાસે, કુંડલિયા કોલેજ, જામટાવર, વિરાણી, પી.ડી.માલવિયા, કૂવાડવા રોડથી ગ્રીનલેન્ડ ચોકડી, મેઘાણી રંગ ભુવન, હેમુ ગઢવી હોલ સામે, પીડીએમ કોલેજ સામે, રેલનગર, પારૂલ બગીચા પાસેના હોકર્સ ઝોનમાં 217 પેઢીમાં ચેકિંગ કરતાં 887 કિલો અખાદ્ય તેમજ વાસી જથ્થો મળી આવતાં તેનો નાશ કરી 62 પેઢીને નોટિસ આપવામાં આવી હતી તેમજ 1.08 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ શાખાએ વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરી નમૂના લીધા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
