મહાપાલિકાનો ઢોરડબ્બો કતલખાનું: ૮૯ દિ’માં ૭૫૬ પશુના મોત !
૧૫ જૂને ઢોર ડબ્બામાં ૧૬૬ ગાય, ૮૫ વાછરડી, ૨૧૦ બળદ-ખૂંટ, ૮૭૫ વાછરડા, ૫ પાડી અને ૪ બકરી હતા; હાલ ૧૧૨૦ ઢોર ઉપલબ્ધ
પાંચ વર્ષ માટે ઢોરડબ્બાનું સંચાલન મનપાએ જીવદયા ઘરને સોંપેલું છે અને તેને મહિને મોટા પશુ માટે ૫૦ અને નાના પશુ માટે ૩૫ની આપે છે ગ્રાન્ટ
પશુની સંભાળ, સારવાર સહિતની જવાબદારી સંચાલન સંભાળનાર જીવદયા ઘરની છતાં તે ઉણું ઉતરી રહ્યાનો તાલ
૯૫ દિવસ દરમિયાન સંસ્થાને ૧૭.૮૬ લાખની ગ્રાન્ટ ચૂકવાઈ છતાં સ્થિતિ બદતર
મહાપાલિકા દ્વારા રસ્તે રખડતાં ઢોર જપ્ત કરીને તેને રામવન પાસે બનાવવામાં આવેલા ઢોરડબ્બામાં રાખવામાં આવે છે. અહીં ઢોર રખાયા બાદ તેની તમામ પ્રકારની સાર-સંભાળ, સારવાર સહિતની જવાબદારી સામાજિક સંસ્થા જીવદયા ઘરને સોંપવામાં આવી છે. જો કે સંસ્થા ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી નીભાવવામાં ઉણી ઉતરી રહી હોય તેવું પશુપ્રેમીઓને લાગી રહ્યું છે કેમ કે ૮૯ દિવસની અંદર જ ઢોર ડબ્બામાં રહેલા ૭૫૬ પશુઓના મોત નિપજ્યા હોવાનો સત્તાવાર એકરાર મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ૧૫ જૂન-૨૦૨૪ સુધીમાં ઢોર ડબ્બામાં કેટલા ઢોર હતા અને કેટલા ઢોર ૧૫ જૂનથી આજ સુધીમાં મૃત્યુ પામ્યા છે ? આ સવાલનો લેખિત જવાબ આપતાં મહાપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા જણાવાયું કે ૧૫ જૂન-૨૦૨૪ના રોજ ઢોર ડબ્બામાં ૧૩૪૫ ઢોર હતા જેમાં ૧૬૬ ગાય, ૮૫ વાછરડી, ૨૧૦ બળદ-ખૂંટ, ૮૭૫ વાછરડા, ૫ પાડી અને ૪ બકરીનો સમાવેશ થાય છે. આ પૈકી ૧૨ સપ્ટેમ્બર-૨૦૨૪માં સુધીમાં ૭૫૬ ઢોર મૃત્યુ પામ્યા છે ! સાથે સાથે એમ પણ જણાવાયું છે કે મોટા પશુઓ જેમાં ઘોડા, ગાય, બળદ-ખૂંટ સહિતને દરરોજ ૨૦ કિલો અને નાના પશુ જેમાં બકરી, વાછરડી, પાડી સહિતને ૧૦ કિલો દૈનિક ઘાસચારો આપવાનો હોય છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો નિયમ પ્રમાણે ઘાસચારો તેમજ સારવાર આપવામાં આવી રહી હોય તો પછી માત્ર ૯૫ દિવસની અંદર આટલા બધા પશુઓ મૃત્યુ કેવી રીતે પામે ? વળી, મોટા પશુના નીભાવ માટે મહાપાલિકા દ્વારા જીવદયા ઘરને પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ ૫૦ અને નાના ઢોર માટે પ્રતિ ઢોર દીઠ પ્રતિ દિવસ ૩૫ રૂપિયા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. આ રીતે જોવા જઈએ તો મનપા દ્વારા સંસ્થાને ૯૫ દિવસ દરમિયાન ૧૭.૮૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે છતાં ઢોર શા માટે મૃત્યુ પામી રહ્યા હશે ?
૭૫૬માંથી મૃત્યુ પામેલી ગાયની સંખ્યા ૧૦૮: ચોમાસાને લીધે ઢોર વધુ મૃત્યુ પામ્યા: ડૉ.જાકાસણિયા
આ અંગે મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ભાવેશ જાકાસણિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ૯૫ દિવસ દરમિયાન ૭૫૬ ઢોર મૃત્યુ પામ્યા છે તેમાં ગાયની સંખ્યા ૧૦૮ છે. આ ઉપરાંત ખૂંટિયા અને મોટા વાછરડાની સંખ્યા વધુ છે કેમ કે તેમને પૂરતું પોષણ ન મળ્યું હોવાથી મોતને ભેટ્યા હોઈ શકે છે. હાલ મહાપાલિકાના ઢોર ડબ્બામાં ૧૧૨૦ જેટલા ઢોર રહેલા છે. તેમણે એમ પણ જણાવ્યું કે જીવદયા ઘરને પાંચ વર્ષ માટે ઢોર ડબ્બાના નીભાવની જવાબદારી સોંપાઈ છે. આ કોન્ટ્રાક્ટ આપ્યાને આવતા મહિને બે વર્ષ પૂરા થશે. ખાસ કરીને મૃત્યુ થવા પાછળ ચોમાસાની ઋતુ પણ એટલી જ જવાબદાર છે !